ગુરદાસપુર જિલ્લાના કાહનુવાનમાંથી સ્થળાંતર કર્યા પછી 41 વર્ષથી દિલ્હીમાં રહેતા નરિન્દર કૌર કહે છે, “મહિલાઓએ મને કહ્યું કે જયારે તેઓ કીર્તન ગાતા ત્યારે વ્યવસ્થાપકો ગુરુદ્વારામાં સ્પીકર્સ બંધ કરી દેતા. તેમની ઢોલકીને પરિસરની બહાર રાખવામાં આવતી.”

63 વર્ષના નરિન્દર નવી દિલ્હીમાં જાણીતા કીર્તનિયા છે. તેઓ પોતે શીખોના પવિત્ર પુસ્તક ગુરુ ગ્રંથ સાહિબમાંથી ધાર્મિક સંગીત ગાય છે અને શીખ મહિલાઓને તેની તાલીમ આપે છે. આ સંગીતને શબદ કીર્તન તરીકે ઓળખવામાં આવે છે અને તે ગુરુદ્વારાઓમાં અને તેની આસપાસ ગવાય છે.

કૌર કહે છે કે બીજી ઘણી શીખ મહિલાઓની જેમ કુશળતા હોવા છતાં તેમણે પણ શીખ ધર્મસ્થાનોમાં તેમના સંગીત કૌશલ્ય થકી કીર્તનિયા તરીકે સ્વીકારાવા માટે સંઘર્ષ કર્યો છે.

દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિની 2022 ની ડિરેક્ટરી, સમિતિ દ્વારા સંચાલિત ગુરુદ્વારાઓમાં ગાવા માટે, સંગીતનાં સાધનો વગાડવા માટે અને પવિત્ર પુસ્તકમાંથી પાઠ કરવા માટે નિમાયેલાઓની યાદી આપે છે. નરિન્દરના અનુભવને પ્રતિબિંબિત કરતા, 62 રાગીઓ અને ધાડીઓની યાદીમાં ગાયિકા તરીકે એક પણ મહિલાનું નામ નથી; કવિઓ માટેની સ્થિતિ થોડી સારી છે જેમાં કુલ 20 માંથી આઠ જગ્યાઓ મહિલાઓને ફાળે જાય છે.

2022 ની શરૂઆતમાં નિયુક્ત કવિ બીબી રાજીન્દર કૌર કહે છે, “મને દિલ્હીના ગુરુદ્વારાઓમાં કોઈ ફરજ બજાવવાની જવાબદારી સોંપવામાં આવી એ વાતને આવતા મહિને એક વર્ષ થશે.”

ડાબે: નરિન્દર કૌર કીર્તન સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મહિલાઓને ભેગી કરે છે. ફોટો: હરમન ખુરાના. જમણે: દિલ્હી ફતેહ દિવસ પ્રસંગે નરિન્દર કૌર તેમના જાથાના બીજા સભ્યો સાથે કીર્તન ગાય છે. સૌજન્ય: નરિન્દર કૌર

શીખ ધર્મની સત્તાવાર આચાર સંહિતા અને પ્રસ્થાપિત પ્રણાલિકા – શીખ રેહત મર્યાદા – કહે છે કે (સ્ત્રી-પુરુષના) લિંગ બાધ વિના કોઈપણ બેપ્ટાઈઝ્ડ શીખ ગુરુદ્વારામાં કીર્તન ગાઈ શકે છે. ઐતિહાસિક ગુરુદ્વારાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા ગણાતી શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)એ પણ મહિલાઓને સામેલ કરવા અંગે પોતાની મંજૂરી આપી છે. તેમનો આદેશ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢના ગુરુદ્વારાઓમાં માન્ય લેખાય છે.

આટલું શક્તિશાળી સમર્થન હોવા છતાં મહિલાઓને ગુરુદ્વારામાં ધાર્મિક પ્રથાઓમાં ભાગ લેવા દેવો જોઈએ એ બાબતે ઘણા શીખો સહમત નથી, અને તેથી મહિલા ગાયકો કીર્તનમાં ભાગ લઈ શકતા નથી.

લિંગની દ્રષ્ટિએ ભેદભાવની વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કીર્તનકાર જસવિંદર કૌર પૂછે છે, “એક સમર્પિત, શિસ્તબદ્ધ અને સંગીત-પ્રશિક્ષિત મહિલા સુવર્ણ મંદિરના જ પરિસરમાં આવેલા (બીજા) ગુરુદ્વારાઓમાં (કીર્તન) ગાઈ શકતી હોય તો તેને સુવર્ણ મંદિરના મુખ્ય હોલમાં કીર્તન ગાવાની મંજૂરી શા માટે ન આપી શકાય?” 69 વર્ષના જસવિંદર નવી દિલ્હીની માતા સુંદરી કોલેજમાં ગુરમત સંગીતના પ્રોફેસર પણ છે. તેઓ વિદ્યાર્થીઓને ગુરમત સંગીતની તાલીમ આપે છે, સંગીતની આ પરંપરા (શીખ) ધર્મ જેટલી જ જૂની છે.

શીખો માટેના સૌથી પવિત્ર પૂજા સ્થળ – સુવર્ણ મંદિરના સૌથી અંદરના ગર્ભગૃહમાં મહિલાઓ (કીર્તન) ગાતી નથી. એસજીપીસીના પ્રમુખસ્થાને એક મહિલા, બીબી જાગીર કૌર હતા ત્યારે પણ નેતાઓ આ મુદ્દે મોટેભાગે મૌન રહ્યા છે. બીબી જાગીર કૌરે 2004-05માં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે તેમણે મહિલાઓને કીર્તન ગાવા આમંત્રણ આપ્યું હતું. તેઓ કહે છે કે તેમને મળેલી અરજીઓમાંથી કોઈ પણ અરજી જોઈએ એટલી સારી ન હતી અને એટલે આ મામલો ત્યાં જ પૂરો થઈ ગયો.

તેમના પગલાનો રૂઢિચુસ્ત શીખ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થા (સેમેનરી) દમદમી તક્સાલ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, આ સંસ્થાની સ્થાપના દસમા શીખ ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ દ્વારા કરવામાં આવી હતી. શીખો માટે ઔપચારિક આચારસંહિતા ઘડનારા તેઓ પહેલા ગુરુ હતા. તક્સાલ માને છે કે જો મહિલાઓને (સુવર્ણ) મંદિરની અંદર ગાવાની છૂટ આપવામાં આવશે તો ગુરુઓના સમયથી અનુસરવામાં આવતી ફક્ત પુરુષોને જ ગાવાની મંજૂરી આપવાની પરંપરાનો અનાદર થશે.

1940માં એસજીપીસી દ્વારા બેપ્ટાઈઝ્ડ શીખ મહિલાઓને કીર્તન ગાવાનો અધિકાર આપવાના નિર્ણયથી શરૂ કરીને આ પરંપરાને બદલવા માટે ભૂતકાળમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. 1996માં અકાલ તખ્ત દ્વારા તાજેતરના હુકમનામામાં આનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો, પરંતુ લિંગની દ્રષ્ટિએ કરતા આ ભેદભાવ હજી ચાલુ છે.

મહિલાઓને સુવર્ણ મંદિરના સૌથી અંદરના ગર્ભગૃહમાં કીર્તન ગાવાની મંજૂરી આપવા (બિન-ધાર્મિક શીખ સંસ્થાન) અકાલ તખ્ત અને એસજીપીસીનેવિનંતી કરતો ઠરાવ પંજાબ વિધાનસભાએ નવેમ્બર 2019 માં પસાર કર્યો હતો. આ ઠરાવ પસાર થયો તે પહેલાં રાજ્ય દ્વારા ધાર્મિક દખલગીરીના મુદ્દે વિધાનસભાના સભ્યો તરફથી તેનો ઉગ્ર વિરોધ થયો હતો.


લગ્ન થયા તે પહેલા સિમરન કૌર હોશિયારપુર જિલ્લાના સોહિયાં ગામમાં ગુરુ રવિદાસ જી ગુરુદ્વારા ખાતે તેમના બીજા પિતરાઈ બહેનો સાથે એક કલાક કે તેથી વધુ સમય માટે કીર્તન ગાતા હતા. 27 વર્ષના સિમરન દરરોજ નાના સ્થાનિક ગુરુદ્વારા, સંત બાબા મીહાન સિંહ જીમાં જતા હતા. ત્યાં તેમણે મહિલાઓને (કીર્તન) ગાતા જોઈ હતી અને એમાં કંઈ અસામાન્ય ગણાતું નહોતું. સિમરનને લાગે છે કે નાના ગુરુદ્વારાઓ એસજીપીસી સાથે સંકળાયેલા નથી અને તેથી (તેમના) પ્રબંધન અને કાર્યવાહીમાં જડતા ઓછી છે.

સિમરન જણાવે છે, “ગામડાઓમાં મોટાભાગે મહિલાઓ જ ગુરુદ્વારા સંભાળે છે. પુરુષો સામાન્ય રીતે સવારે કામ માટે નીકળી જાય છે. જે કોઈ પહેલું ગુરુદ્વારા પહોંચે છે તે પ્રથા (મુજબ કીર્તન) શરૂ કરે છે.”

બધા ગામડાઓમાં કદાચ આવું ન પણ હોય પરંતુ હરમનપ્રીત કૌરના અનુભવ પ્રમાણે પરિસ્થિતિ બદલાઈ રહી છે. 19 વરસના હરમનપ્રીત તરન તારન જિલ્લાના પટ્ટીના એક યુવાન કીર્તનકાર છે અને તેઓ કહે છે કે તેમણે તેમના સ્થાનિક ગુરુદ્વારા – બીબી રજની જીમાં મહિલાઓને (કીર્તન) ગાતા જોઈ નથી. તેમના પિતા ગુરુદ્વારામાં સાર્વજનિક પૂજા દરમિયાન ગુરુ ગ્રંથ સાહિબ વાંચે છે, સૌથી પહેલા તેમણે જ હરમનપ્રીતને કીર્તનનો પરિચય કરાવ્યો હતો. હવે હરમનપ્રીત ખાસ પ્રસંગોએ ત્યાં (કીર્તન) ગાય છે.

ડાબે: 2006માં ગુરુ રવિદાસના જન્મદિવસ નિમિત્તે પોતાની દીકરી સાથે કીર્તન ગાતા સિમરન કૌરના કાકી. સૌજન્ય: જસવિન્દર કૌર. જમણે: સિમરનના લગ્ન થયા એ પછી તેમનો કીર્તન ગાવાનો અભ્યાસ અટકી ગયો છે, પરંતુ તેઓ નજીકના ગુરુદ્વારામાં ફરીથી એ અભ્યાસ શરૂ કરવા માગે છે. ફોટો: જસવિન્દર કૌર

100 કિલોમીટર દૂર પઠાણકોટ શહેરમાં 54 વર્ષના દિલબાગ સિંહ કહે છે કે શહેરની મહિલાઓ અહીંના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં દર શનિવારે થોડા કલાકો માટે કીર્તન અને પ્રાર્થના ગાય છે. મહિલાઓની આગેવાની હેઠળના ખાનગી સંગીત જૂથો પણ છે જે કીર્તન ગાવા માટે તહેવારો દરમિયાન અહીં આવે છે.

25 વર્ષના સુખદીપ કૌર પંજાબી યુનિવર્સિટી, પતિયાલામાંથી શીખ અભ્યાસ અને ધાર્મિક અભ્યાસ બંનેમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ પંજાબના સંગરુર જિલ્લાના લાસોઈ ગામમાં રહે છે અને તેમને લાગે છે કે લિંગની દ્રષ્ટિએ થતા ભેદભાવ માટે પુરુષોને દોષી ઠરવવા અયોગ્ય છે. તેમની દલીલ એ છે કે મહિલાઓ માટે ગુરુદ્વારામાં પૂર્ણ સમયની ભૂમિકા નિભાવવી મુશ્કેલ છે અને તેમને લાગે છે કે એક મહિલા “પ્રાર્થના ગાવા કરતાં તેના બાળકો અને ઘરની સંભાળ રાખવાનું પસંદ કરશે.”

નરિન્દર કૌર માને છે કે મહિલાઓ આ બધું જ સાંભળી શકે તેમ છે. રિયાઝ માટે થોડા કલાકો ફાળવી શકે અને ગુરુદ્વારાઓમાં કીર્તન ગાવા ઉત્સુક હોય તેવી મહિલાઓને એકત્ર કરવા 2012 માં નરિન્દરે ગુરબાની વિરસા સંભાલ સત્સંગ જાથા શરૂ કરી. તેઓ ઉમેરે છે, “મહિલાઓ તેમના બાળકો અને ઘરની સંભાળ તો રાખે જ છે. મહિલાઓની સેવા સિંઘ [શીખ પુરુષ] ની સરખામણીએ બમણી છે.”

શીખ લઘુમતી કોલેજોમાં ડિવિનિટી સોસાયટી શીખ વિદ્યાર્થીઓને ગુરમત સંગીતમાં તાલીમ પૂરી પાડે છે. કાજલ ચાવલા જે હવે કિરપા કૌરના નામથી ઓળખાય છે, તેમણે દિલ્હી યુનિવર્સિટી (ડીયુ) ની ગુરુ ગોવિંદ સિંઘ કોલેજમાંથી 2018માં અર્થશાસ્ત્રના મુખ્ય વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. 24 વર્ષના કાજલ કોલેજમાં હતા ત્યારે કોલેજની ડિવિનિટી સોસાયટી – વિસ્માદના સક્રિય સભ્ય હતા. તેઓ હજી આજે પણ આ સોસાયટી સાથે સંકળાયેલા છે અને કહે છે, “અમારા સભ્યો તમામ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને તેમને કીર્તન, કવિતા અને જુસ્સાદાર ભાષણની સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવે છે. કોલેજ ઉત્સવો પણ અમને આ માટે તૈયાર કરે છે અને અમારો આત્મવિશ્વાસ કેળવે છે.”

ડાબે: 25 વર્ષના સુખદીપ કૌર કથવાચક (શીખોની ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન કરનાર) બનવા માગે છે. સૌજન્ય: સુખદીપ કૌર. જમણે: સિમરજીત કૌર ફરીદાબાદમાં તેમની એકેડેમી (વિશેષ પ્રશિક્ષણ આપતી સંસ્થા) માં ભણાવે છે. સૌજન્ય: સિમરજીત કૌર. નીચે: નરિન્દર કૌર અને જૂથ હઝુર સાહિબ યાત્રામાં કીર્તન ગાઈ રહ્યાં છે. સૌજન્ય: નરિન્દર કૌર

દિલ્હી યુનિવર્સિટીની એસજીટીબી ખાલસા કોલેજમાં ડિવિનિટી સોસાયટી માટે તબલા વગાડનાર 24 વર્ષના બક્ષન્દસિંઘ કહે છે, “જો ઝ્યાદા રિયાઝ કરેગા વો રાજ કરેગા [જે વધુ રિયાઝ કરે છે, તે મંચ પર રાજ કરે છે].” અહીંના વિદ્યાર્થીઓ આખા દિલ્હીમાં ગુરુદ્વારાઓમાં અને કાર્યક્રમોમાં કીર્તન ગાય છે અને (કીર્તન ગાવા માટે) બીજા રાજ્યોનો પ્રવાસ પણ ખેડે છે.

પરંતુ યુવાન શીખોનો ઉત્સાહ તેમના માટે વધુ સારી સ્થિતિ અને સ્વીકારમાં પરિણમતો નથી. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (ડીસીજીએમસી) ના ભૂતપૂર્વ સભ્ય 54 વર્ષના ચમન સિંહ કહે છે, “ઘણી મહિલાઓ ગુરુદ્વારાઓમાં કીર્તન કરતી હોવા છતાં મેં કોઈ મહિલા રાગી કે ગ્રંથી તરીકે નિયુક્ત કરાઈ હોય એવું જોયું નથી.” તેઓ કહે છે કે મહિલાઓને કારકુની અને હિસાબ સંબંધિત નોકરીઓમાં અથવા લંગરમાં ભોજન રાંધવાનું કામ આપવામાં આવે છે. કીર્તનકારોનો પગાર મહિને 9000 થી માંડીને 16000 સુધીનો હોય છે.

દિલ્હીના પરમપ્રીત કૌર કહે છે, “બધી સત્તા ગુરુદ્વારાઓની વ્યવસ્થાપન સમિતિઓ પાસે છે.” તે પૂછે છે, ” જ્યારે તેઓ કોઈ ગુરુપૂરબ [ઉત્સવ] અથવા સમાગમ [ખાનગી ધાર્મિક પ્રસંગ] નું આયોજન કરે છે ત્યારે હજી આજે પણ યુવા વિદ્યાર્થીઓ અને મહિલાઓને આવીને કીર્તન ગાવા માટે પ્રોત્સાહિત કરવાને બદલે શા માટે જાણીતા રાગીઓને જ પસંદ કરે છે?”

32 વર્ષના પરમપ્રીત હિંદુસ્તાની સંગીતમાં પ્રશિક્ષિત છે અને તેમણે પંજાબી યુનિવર્સિટી, પતિયાલામાંથી ગુરમત સંગીતમાં એમએની પદવી પ્રાપ્ત કરી છે. બીજી યુવા મહિલાઓ પણ પરમપ્રીત સાથે સહમત છે. તેમનો અવાજ પ્રબળ/સ્વીકૃત થઈ રહ્યો છે અને હવે ટૂંક સમયમાં જ ગુરુદ્વારાઓ કોઈ અપવાદ વિના મહિલાઓના આવાજને તેમના પૂજા સ્થાનોમાંથી ગૂંજતો થવા દેશે એ નિશ્ચિત છે.

ਭੰਡਹੁ ਹੀ ਭੰਡੁ ਊਪਜੈ ਭੰਡੈ ਬਾਝੁ ਨ ਕੋਇ ॥

ਨਾਨਕ ਭੰਡੈ ਬਾਹਰਾ ਏਕੋ ਸਚਾ ਸੋਇ ॥

સ્ત્રીમાંથી સ્ત્રી જન્મે છે;

સ્ત્રી નહીં હોય તો કોઈ નહીં હોય.

આ પંક્તિઓ ગુરુ ગ્રંથ સાહિબના મહલા 1 માંથી છે, જે રાગ આસામાં ગવાય છે.

પારીના હોમપેજ પર પાછા ફરવા માટે અહીં ક્લિક કરો.

Editor's note

હરમન ખુરાના તાજેતરમાં જ સોફિયા કોલેજ ફોર વિમેન, મુંબઈમાંથી સોશિયલ કોમ્યુનિકેશન મીડિયાના સ્નાતક થયેલ છે. તેમણે આ પ્રોજેક્ટને શીખ ધાર્મિક સંસ્થાઓમાં મહિલાઓની ભૂમિકા અંગે જાણકારી મેળવવાના સાધન તરીકે જોયો હતો.

તેઓ કહે છે: “આ અહેવાલ તૈયાર કરવાના અનુભવે મને - સૌને માટે સમાન અધિકારોના સિદ્ધાંતને માન્યતા આપનારી - સમાનતાવાદી પાયો ધરાવતી સંસ્થાઓમાં લિંગને દ્રષ્ટિએ ભેદભાવ શી રીતે પ્રવેશ કરે છે તેની સૂક્ષ્મ સમજ આપી. પત્રકારત્વ અને ફિલ્મ નિર્માણના આંતરછેદ પર કામ કરવાની મને મજા આવી. કેમેરાપર્સન (ફોટોગ્રાફર) તરીકેનું બેવડું કામ પણ સંભાળતા એક એકલ પત્રકારતરીકે મેં આ મુદ્દા અંગે સ્પષ્ટ અને ચોક્કસ અભિપ્રાય ધરાવતી મહિલાઓ સાથે ઘણી હૃદયસ્પર્શી વાતો કરી. આ અહેવાલમાં તેમની ભાવનાઓને વાચા આપી છે.”

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.