
કાલીન વાન (ગાલીચા વણવાની સાળ) પેક કરીને મૂકી દેવામાં આવી છે. એક સમયે ફાતિમા બેગમના ઘરમાં જ્યાં કાલીન વાન રહેતી ત્યાં હવે તેમના ભાઈ મોહમ્મદનો પરિવાર રહેવા આવી ગયો છે જેથી તેઓ તેમના ઘર-ખર્ચમાં બચત કરી શકે. ફાતિમા બેગમ કહે છે, “મે 2021 માં મારો ભાઈ [કોવિડ -19] સંક્રમિત (પોઝિટિવ) થયા પછી અમે વણાટકામ બંધ કર્યું.” તેઓ અને તેમના પતિ નઝીર અહમદ ભટ લગભગ 25 વર્ષથી કાશ્મીરના બાંદીપોર જિલ્લાના ગુંડ પ્રંગ ગામમાં તેમને ઘેર ગાલીચા વણવાનું કામ કરી રહ્યા છે.
મહામારી પહેલા ફાતિમાના નાના ભાઈ 32 વર્ષના મોહમ્મદ અશરફ ટેક્સી ડ્રાઈવર હતા અને ત્યારબાદના લોકડાઉનના પગલે તેમનું કામ અટકી ગયું. તેઓ સ્થાનિક ટેક્સી સ્ટેન્ડ પર કામ કરતા અને મહિને 6000 રુપિયા કમાતા. મોહમ્મદની પત્ની શાહજાદા કહે છે, “જૂના વાહનો બંધ કરવાના આદેશને કારણે તેણે 2019 માં તેમની ટાટા સુમો વેચી દીધી.” બધી વાત શાહઝાદા જ કરે છે કારણ કે તેમના પતિને વાત કરવામાં તકલીફ પડે છે, કારણ તેમને પહેલેથી જ અસ્થમાની બિમારી હોઈ કોવિડના લક્ષણો વધુ તીવ્ર છે.
માર્ચ 2020 ના લોકડાઉન પછીના વર્ષમાં જ્યારે મોહમ્મદ ટેક્સી ચલાવી શકતા ન હતા ત્યારે તેમણે ટેક્સી વેચીને મળેલા 1 લાખ રુપિયાની મદદથી ગુજરાન ચલાવ્યું. તેમના દીકરાઓ – 12 વર્ષનો મુનીર, 10 વર્ષનો અરસલાન અને 6 વર્ષનો આદિલ – તેમના ગામમાં એક અનુસ્નાતક વિદ્યાર્થી દ્વારા આપવામાં આવતા ટ્યુશન ક્લાસમાં જાય છે. નોટબુક અને પેન્સિલનો ખર્ચ મળીને ત્રણ બાળકોની ટ્યુશન ફી મહિને 3000 રુપિયા જેટલી થાય છે.


મોહમ્મદે જેલમ નદીના કિનારે દાડિયા મજૂરનું (રેતી એકઠી કરવાનું) કામ કરી ખર્ચને પહોંચી વળવાનો પ્રયાસ કર્યો, તેમાંથી તેને દિવસના 500 રુપિયા મળતા. તેઓ રોજ કામ પર જઈ શકતા નહોતા કારણ કે અસ્થમાની બિમારીને કારણે તેમને માટે આ કામ કરવું મુશ્કેલ બન્યું હતું.
21 મી મે 2021 ના રોજ મોહમ્મદને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારે શાહજાદા મદદ માટે પડોશમાં ફાતિમા અને નઝીરના ઘેર દોડી ગયા. એમ્બ્યુલન્સ બોલાવવા માટે તેઓ હાજીનમાં સ્થાનિક સીએચસી [કોમ્યુનિટી હેલ્થ સેન્ટર] પર કોઈનો સંપર્ક કરી શક્યા ન હતા. દર્દી સાથેની લાંબી મુસાફરીને યાદ કરતા ફાતિમા કહે છે, “મારા પતિ, દીકરો અને ભાઈ ત્રણ -ચાર કિલોમીટર ચાલ્યા તે પછી તેમને લિફ્ટ મળી શકી અને [સીએચસી હાજીન] પહોંચી શક્યા.”
જ્યારે તેઓ 3 લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા બાંદીપોર જિલ્લાના ત્રણ સીએચસીમાંના એક, સીએચસી હાજીન પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ મદદ ઉપલબ્ધ ન હતી; મોહમ્મદ કોવિડ સંક્રમિત (પોઝિટિવ) થયા પછી પણ નહીં. નઝીર કહે છે, “ડોકટરો દર્દીઓની નજીક પણ આવતા ન હતા.” મોહમ્મદને બીજા દિવસે ઓક્સિજન સપોર્ટની જરૂર હતી. તેમનો પરિવાર તરત જ તેમને બાંદીપોર શહેરની ઓક્સિજન સાથેની એકમાત્ર સરકારી હોસ્પિટલ – ધી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બાંદીપોર (ડીએચબી) માં ખસેડવા માટે શક્ય તેટલું બધું કરી છૂટ્યો.


પોતાના સાળા મોહમ્મદ સાથે ડીએચબીની 22 કિલોમીટરની મુસાફરી કરનાર નઝીર કહે છે, “એમ્બ્યુલન્સમાં હું કુરાનની પવિત્ર કલમોનો પાઠ કરતો હતો. તે મારા જીવનની સૌથી અઘરી અને લાંબી મુસાફરીઓમાંની એક હતી.”
મોહમ્મદની પત્ની શાહજાદા નવ મહિનાની ગર્ભવતી છે – હવે કોઈપણ દિવસે બાળકનો જન્મ થઈ શકે છે. પોતાના પતિ વિશે ચિંતિત તેઓ કહે છે, “તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે બીજા જ દિવસે મેં મારી બુટ્ટીઓ વેચી દીધી. તેની કિંમત 8000 રુપિયા હતી, પરંતુ મેં 4500 રુપિયામાં વેચી દીધી કારણ કે અમારે બાળકો માટે અને ઘર માટે ચીજવસ્તુઓ ખરીદવાની હતી અને અમારી તબીબી જરૂરિયાતો પૂરી કરવાની હતી. ” ઘર ચલાવવું મુશ્કેલ બનતા શાહજાદા તેમના ચાર નાના દીકરા અને મોહમ્મદની વૃદ્ધ માતા રાજા બેગમ સાથે ફાતિમા અને નઝીરના ઘેર રહેવા ગયા.



ડાબે: બાંદીપોર જિલ્લાના સીએચસી હાજીનમાં ગર્ભાવસ્થા તપાસણી કરાવતા શાહજાદા બાનો. જમણે ઉપર: દસ વર્ષનો અરસલાન શાહજાદા અને મોહમ્મદના ચાર દીકરાઓમાંનો એક છે. નીચે: શાહજાદા તેના બે વર્ષના દીકરા અઝાન સાથે. તસવીરો: ઉમર પારા
નઝીર, જિલ્લા હોસ્પિટલમાં મોહમ્મદની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. નઝીરનો દીકરો 21 વર્ષનો વસીમ કહે છે, “કોઈએ તેમને તેમના [ઓક્સિજન] કોન્સન્ટ્રેટર સાથે વોશરૂમમાં લઈ જવા પડે છે. અમારે તેમને ખવડાવવું પડે છે, તેમને દવાઓ આપવી પડે છે અને ડોકટરો સાથે વાત કરવી પડે છે.” બાંદીપોરના સુમ્બલ નગરની સરકારી ડિગ્રી કોલેજના બીજા વર્ષનો વિદ્યાર્થી વસીમ છેલ્લા એક મહિનામાં એક પણ ઓનલાઈન વર્ગમાં હાજરી આપી શક્યો નથી. તે કહે છે, “મારા મોટા ભાઈ મશૂકને ધોરણ 10 પછી કામ કરવા અને પરિવારને ટેકો આપવા માટે અધવચ્ચે શાળા છોડી દેવી પડી હતી. જમશીદા [બહેન] આંશિક રીતે અંધ છે, અને તે 9 મા ધોરણથી આગળ અભ્યાસ કરી શકી નથી, માત્ર આસિફા, જે મારી સૌથી નાની બહેન છે, તે અને હું અભ્યાસ કરી શક્યા છીએ.”
મોહમ્મદની હાલત વધુ બગડી ત્યારે તેમને શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એસકેઆઈએમએસ) માં ખસેડવામાં આવ્યા. આખરે ત્યાં લગભગ ત્રણ અઠવાડિયાની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી. રજા આપવામાં આવી હોવા છતાં પરિવારનો આર્થિક બોજો હળવો થયો નથી. પરિવારે મે મહિનામાં પડોશીઓ પાસેથી 25000 રુપિયા ઉધાર લીધા છે અને સંબંધીઓએ પણ મદદ કરી છે. તે કહે છે, “અમે મામુના [મારા મામાના] હોસ્પિટલના બિલો પાછળ 57000 થી વધારે રુપિયા ખર્ચી નાખ્યા છે. હજી ઘણા (બિલો) ચૂકવવાના બાકી છે.” વાત કરતી વખતે દેવાના બોજની ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.
એ ઉપરાંત નઝીર અને તેના પરિવારે કોવિડ પછીની દર્દીની સતત સંભાળની વ્યવસ્થા અને જોગવાઈ કરવાની છે. નઝીર કહે છે, “તેમને દિવસ-રાત ઓક્સિજનની જરૂર હોવાથી ગામની અકફ (વકફ તરીકે પણ કહેવાય છે) સમિતિએ તેમને માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરી આપી છે. પરંતુ અહીં અમે દર બે થી ત્રણ કલાકે વીજ કાપનો સામનો કરીએ છીએ અને તેથી અમારે દિવસના 500 રુપિયા લેખે જનરેટર ભાડે લેવું પડે છે. તે ચલાવવા માટે અમે ડીઝલના વધારાના 1200 રુપિયા ખર્ચીએ છીએ.”
નઝીરનો સૌથી મોટો દીકરો 25 વર્ષનો મશૂક – ઘણીવાર તેના ગામમાં અને આસપાસ બાંધકામના સ્થળોએ – દાડિયા મજૂર તરીકે જે કામ મળે તે કરે છે. તે આ મજૂરી માટે દિવસના આશરે 200 રુપિયા કમાય છે. 10 સભ્યોનો પરિવાર આ કમાણી અને સંબંધીઓની દયા પર નભવાનો પ્રયાસ કરે છે. ફાતિમા કહે છે કે એક એક દિવસ એક પડકાર સમો છે.


મોહમ્મદનો પરિવાર રહેવા આવ્યો ત્યારે તે દસ લોકો માટે જગ્યા કરવા માટે ત્રણ ઓરડામાંના એકમાં રાખેલ સાળ દૂર કરવામાં આવી. ફાતિમા અને નઝીરનું ગાલીચા વણવાનું કામ અટકી ગયું. તેઓ કહે છે, “અમે ગયા વર્ષે કાલીન બનાવવાનું શરૂ કર્યું હતું અને દુકાનદારને એ આપ્યા પછી જ અમને પૈસા મળશે.” આ ગાલીચાના તેમને લગભગ 28000 રુપિયા મળશે. શ્રીનગરના એક દુકાન માલિક સાથે તેમનો કરાર છે, જે શ્રીનગરથી મોટર હંકારીને આવે છે અને નકશી (ડિઝાઇન) અને કાચો માલસામાન પન્ન (સુતરાઉ દોરા અને ઘેટાંના ઊનનું મિશ્રણ) અને રંગ (ડાઈ) લાવે છે.
ફાતિમા કહે છે કે પાંચ ફુટ બાય છ ફુટનો ગાલીચો પૂરો કરવા તેમણે અને તેમના પતિએ લગભગ એક વર્ષ માટે અઠવાડિયાના છ દિવસ આઠ-આઠ કલાક કામ કરવું પડે છે. ફાતિમા યાદ કરે છે, “અમારા લગ્ન થયા ત્યારે હું નઝીર પાસેથી (આ કળા ) શીખી હતી. તે સમયે હું 15 વર્ષની હતી અને તે 16 વર્ષનો હતો.” નઝીર કહે છે, “ગાલીચા વણવાના દિવસના પાંચ રુપિયા મળતા હતા ત્યારથી હું કાલીન-કાઈમ [ગાલીચા વણવાનું કામ] કરું છું. અત્યારે પણ અમે જે કમાઈએ છીએ તે [રોજના 80 રૂપિયા] પૂરતા નથી.”
2011 ની વસ્તી ગણતરી નોંધે છે કે ફાતિમા અને નઝીરના ગુંડ પ્રંગ સ્થિત ઘરથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલા હાજન નગરમાં બનતી અને ત્યાંથી નિકાસ કરાતી સૌથી મહત્વની ચીજોમાંની એક ગાલીચા છે. તેમ છતાં તેમના જેવા ગાલીચા વણવાનું કામ કરતા પરિવારો પોતાને ટકાવી રાખવા માટે તેમાંથી પૂરતી કમાણી કરી શકતા નથી. જ્યારે સપ્ટેમ્બરમાં સફરજનની સીઝન શરૂ થાય છે ત્યારે નઝીર 400 રુપિયા દાડિયા માટે ખેતમજૂર તરીકે કામ કરે છે. પરંતુ આ કામ માત્ર 10 દિવસ ચાલે છે. જૂન અને જુલાઈમાં ચારથી પાંચ દિવસ ચોખા વાવીને તેઓ એટલી જ કમાણી કરે છે.
તબીબી ખર્ચ માટે કરેલા ઉધાર લીધેલા પૈસા અને પોતાની આવકનો એકમાત્ર ખાતરીપૂર્વકનો સ્ત્રોત – વણાટકામ ચાલુ રાખવા માટે જગ્યાના અભાવને કારણે નઝીર અને ફાતિમાની અનિશ્ચિત નાણાકીય સ્થિતિ કથળી છે. શાહજાદા તેમણે કરેલી મદદ માટે અને તેમના પતિને હોસ્પિટલમાંથી પાછા લાવવા બદલ નઝીર અને ફાતિમાની આભારી છે. મોહમ્મદ હવે ઘેર છે અને શાહજાદાને ટૂંક સમયમાં બાળક જન્મવાનું છે ત્યારે તેમનું દેવું સતત વધતું જાય છે.
Editor's note
ઉમર પારા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) માં પત્રકારત્વનો સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે; તેઓ થોડા વર્ષોથી ફોટોગ્રાફી કરી રહ્યા છે. તેઓ કહે છે, “પારીમાં જે રીતે લેખ પ્રસ્તુત કરાય છે તે મને ઘણું શીખવી જતો અનુભવ હતો. મને જાણવા મળ્યું કે નાની વિગતો મહત્વની છે. મારે કોઈના નામની જોડણીથી લઈને વસ્તી ગણતરીમાં તેમના ગામની નોંધણી થઈ છે કે કેમ તે બધી જ બાબતોની ચકાસણી કરવી પડતી. આ પ્રક્રિયા લેખને સાચો બનાવતી માહિતી શોધવા માટેની તાલીમરૂપ હતી. ”
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.