“બાઈક પર સવારી કરતી વેળાએ મને ઠંડી લાગી રહી હતી. આથી હું જગ્યા બદલી રહી હતી: જ્યારે તડકો હતો ત્યારે હું આગળ બેસતી અને બીજા સમયે હું મમ્મી અને પાપા વચ્ચે બેસતી,” નવ વર્ષીય અશપ્રિત કૌર એકી શ્વાસે બોલી ઉઠી. સિંઘુ સ્થિત પ્રદર્શનસ્થળે ૨૬ જાન્યુઆરી ના રોજ આયોજિત ટ્રેક્ટર રેલીમાં શામેલ થવા માટે અશપ્રિત કૌર તેની મોટી બહેન અને માતા-પિતા સાથે મુસાફરી કરી રહી હતી. ગુરદાસપુર જીલ્લાથી શરૂ થયેલી આ ૪૦૦ કિલોમીટરથી પણ લાંબી સવારી પૂરી કરતા તેમના પરિવારને બે દિવસ લાગ્યા હતા, આ દરમિયાન તેમના પિતા ઉચા ઢકલા ગામના ખેડૂત લખવીર સિંહે બાઈક ચલાવી હતી.

અશપ્રિત (આગળ), તેની મોટી બહેન જશકરણ પ્રિત અને તેમના પિતા લખવીર પંજાબ ખેડૂત યુનિયનનો લીલો ઝંડો ગર્વથી પકડી રહ્યા છે

અશપ્રિત ગુરદાસપુર જીલ્લાની સ્વામી સ્વરૂપાનંદન ઉચ્ચતર માધ્યમિક મેમોરીઅલ શાળામાં ચોથા ધોરણમાં ભણે છે. “હું અને મારી સહેલીઓ રેલી વિષે ચર્ચા કરી રહ્યાં હતા, અને મને અહિં આવવાનો મોકો મળી ગયો,” અશપ્રિત કહે છે. તેની સહેલીઓ પણ ટ્રેક્ટર રેલીમાં આવવાનું આયોજન કરી રહી હતી.

દિલ્હીની સિંઘુ, ટીકરી અને ગાઝીપુર સરહદો પર ૨૬ નવેમ્બર ૨૦૨૦થી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અને સરકારને ત્રણ કાયદાઓ રદ્દ કરવાનું કહી રહ્યાં છે. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ, ખેડૂતો નક્કી કરેલ રસ્તાઓ પર શાંતિપૂર્ણ ટ્રેક્ટર રેલી કાઢીને ઈતિહાસ રચવા જઈ રહ્યા હતા. આની શરૂઆત દિલ્હીના રાજપથમાં સત્તાવાર પરેડની પુર્ણાહુતી પછી બપોરે દિલ્હીની ત્રણ સરહદો – સિંઘુ, ટીકરી અને ગાઝીપુરથી થવાની હતી.

“લોકો મને પૂછે છે કે અમે શા માટે અમારી દીકરીઓને પ્રદર્શનસ્થળે લઈને આવ્યા છીએ – અમે અહિં એટલા માટે આવ્યા છીએ કેમ કે અશપ્રિતે આગ્રહ કર્યો હતો,” લખવીર કહે છે. એમણે અશપ્રિતની શાળાના આચાર્ય સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે અમારો પરિવાર ૧૦ દિવસ કે તેથી વધુ સમય માટે બહાર જશે. “તેઓ [આચાર્ય] સમજી ગયા હતા, કેમ કે તેઓ પણ મારા પીંડ [ગામ] ના છે અને પરિસ્થતિ સમજે છે.”

આ પરિવારે દિલ્હી-હરિયાણા સરહદ પર આવેલ સિંઘુ પ્રદર્શનસ્થળે જવાનું નક્કી કર્યું, અને ૩૯ વર્ષીય લખવીર પોતાના પરિવાર સાથે બજાજ પ્લેટીના લઈને એ તરફ નીકળી પડ્યા. તેમણે રાત્રે ફતેહગઢ સાહેબમાં રોકાણ કર્યું અને રસ્તામાં ટોલ પ્લાઝા નજીકના લંગરમાં ભોજન કર્યું.

ગુરદાસપુર જીલ્લાના દોરંગાલા વિસ્તારના ઉચા ઢકલા ગામમાં આ પરિવાર લગભગ ચાર એકર જમીન ધરાવે છે. “અમે સીઝન મુજબ ઘઉં અને ડાંગર ઉગાવીએ છીએ. મારે એક ક્યારી [શાકભાજી માટેની જમીન] પણ છે જ્યાં અમે અમારે ખાવા માટે હળદર, ધાણા, અમુક વખત તલ, મહેંદી અને ઘર વપરાશ માટે બીજા છોડ પણ ઉગાવીએ છીએ. મારી દીકરીઓ આ છોડનું ધ્યાન રાખે છે,” અશપ્રિતની માતા બલજીત કૌર કહે છે.

“ખેડૂત પરિવારમાં બધાં જ ખેડૂત હોય છે. દીકરીઓ ખેતરમાં ભોજન લઇને આવે છે, પછી વાવણી પહેલાં તેઓ ખેતરમાં છાણ અને ખાતર નાખવામાં મદદ કરે છે, પાકને બાંધવામાં ગાઠી [બંડલ] બનાવીને મદદ કરે છે, અને ઢોર માટે ઘાસ કાપે છે. આખો પરિવાર ખેતરમાં એકસાથે કામ કરે છે,” તેઓ ઉમેરે છે.

૩૬ વર્ષીય બલજીત કહે છે કે લાંબી બાઈકની મુસાફરીને લીધે એમના ઢીંચણમાં દુઃખાવો થયો છે, અને ઠંડો પવન પણ અસહ્ય હતો. તેઓ પંજાબ ખેડૂત યુનિયન, કે જેનાથી તેઓ જોડાયેલા છે તેના દ્વારા આયોજિત ટ્રોલીમાં મળેલ જગ્યા માટે આભારી છે. “અમે મુસાફરીથી એટલા થાકેલાં હતા કે અમને ટ્રોલીમાં જગ્યા મળતા જ અમે સૂઈ ગયા. ટ્રોલી ત્રણ બાજુએથી ઢંકાયેલી હોવાથી એમાં ઠંડી નહોતી. અમે એક બ્લેન્કેટ અમારી નીચે અને બે બ્લેન્કેટ અમારી ઉપર નાખીને સુઈ ગયા. અમે જ્યારે સિંઘુ પહોંચ્યા ત્યારે અમે વોશિંગ મશીન સેવા [સુવિધા] માં કપડા ધોયા. [પ્રદર્શન સ્થળે] દરેક વસ્તુની સુવિધા છે અને રોડની પેલે પાર ઈમારતમાં વોશિંગ મશીનની સુવિધા છે.”

અશપ્રિતની ૧૫ વર્ષીય બહેન જશકરણ પ્રિત કૌર ગુરદાસપુરમાં મગર મુદીયાન ખાતે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. તે કહે છે કે તેઓ તેમનું ભવિષ્ય ખેતીમાં જુએ છે: “હું એટલા માટે ખેડૂત બનવા માંગું છું કારણ કે આપણે બધાં જે ખોરાક ખાઈએ છીએ એ અમે જ ઉગાવીએ છીએ.” તેમના માતાએ ઉમેર્યું કે જશકરણ શાકભાજીના પટ્ટાની દેખભાળ લે છે.

અમારી વાતચીત વિષેની મારી નોંધ જોતા જશકરણ કહે છે કે, “હું પણ લખું છું. મેં તમને મારું લખાણ બતાવ્યું હોત પણ હું મારી ડાયરી ઘરે મૂકીને આવી છું. બાઈક પર જગ્યા ન હોવાથી હું એક પણ ચોપડી લાવી નથી. હું એક પ્રોજેક્ટ કરવાનું વિચારી રહી છું – ૩૨ જથ્થેબંદી [ખેડૂત યુનિયન] ના નેતાઓના નામ અને તેમના કામની નોંધ સાથેનું એક વૃક્ષ ઉગાવવાનું.”

૨૬ જાન્યુઆરીએ, લખવીરે રેલીમાં ભાગ લઇ રહેલા ટ્રેક્ટરોને પેટ્રોલ પૂરું પાડવા માટે બાઈક ઉપર કેનની અવરજવર કરવી પડી હતી જેથી એમનો પરિવાર રેલીમાં ભાગ લઇ શક્યો નહોતો. અશપ્રિત નિરાશ થઇ ગઈ હતી પણ તે કહે છે કે તે ટ્રેક્ટરોની હરોળ જોઇને ખુશ થઇ હતી.

અશપ્રિત, બાઈક ઉપર, તેમના પરિવાર સાથે કે જેમણે ગુરદાસપુર ખાતે આવેલા તેમના ઘરેથી સિંઘુ સરહદ પર ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા માટે ૪૦૦ કિલોમીટરની મુસાફરી કરી હતી; પરંતુ, રેલીના દિવસે, તેમને જવા ન મળ્યું કેમ કે લખવીર ભાગ લઇ રહેલાં વાહનો માટે બાઈક પર પેટ્રોલનો બંદોબસ્ત કરવામાં વ્યસ્ત હતા. છબી: સોમ્યા ઠાકુર

લખવીર અને બલજીત કહે છે કે તેઓ એક પરિવાર તરીકે આવવા માંગતા હતા. “અમે તમારી અને મારી દીકરી જેવી આવનારી પેઢીના હિતોનું રક્ષણ કરવા માંગીએ છીએ,” લખવીર કહે છે. “અમે જાણીએ છીએ કે ખાનગીકરણ પછી આપણી શિક્ષણ વ્યવસ્થાનો શું હાલ થયો હતો – તમારે ખાનગી નોકરીઓ લેવા માટે ખાનગી કોલેજોમાં મોટી ફી ભરવી પડે છે કારણ કે સરકારી નોકરીઓ છે જ નહીં. જો આપણે હવે વિરોધ નહીં કરીએ તો ખેતીમાં પણ આવું જ થશે.”

તેમને ચિંતા છે કે ખાનગી મંડીઓના આવવાથી તેમની વાર્ષિક ૨.૫ લાખ રૂપિયાની આવકમાં ઘટાડો થશે અને તેમણે અનાજ ઊંચા ભાવે ખરીદવું પડશે. તેમનો આ ડર સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના લીધે છે. આ કાયદાઓ આ મુજબ છે: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે. આ કાયદાઓ સૌપ્રથમ પાંચ જુને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યા, પછી ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે વિરોધ હોવા છતાં સરકાર દ્વારા ઉતાવળે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.

લખવીર પોતાના ખેતરમાં સરસવ (રાઈ) અને લીલા વટાણાના છોડની હરોળ વચ્ચે. છબીઓ: જશકરણ પ્રિત અને અશપ્રિત કૌર

ખેડૂતો આ કાયદાઓને પોતાની આજીવિકા માટે ખતરા રૂપે જોઈ રહ્યા છે કેમ કે કાયદો મોટા નિગમોને ખેડૂતો અને ખેતી ઉપર વધારે સત્તા પ્રદાન કરશે. તેઓ ન્યુનતમ સમર્થન કિંમત (એમ.એસ.પી.), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એ.પી.એમ.સી.), રાજ્ય દ્વારા થતી ખરીદી પ્રક્રિયા અને બીજા બધાને કમજોર કરી નાખશે. આ કાયદાઓનો વિરોધ એટલા માટે પણ થઇ રહ્યો છે કારણ કે આનાથી દરેક ભારતીયને અસર થશે. આ ભારતના બંધારણની કલમ ૩૨માં દરેક નાગરિકને આપેલ કાયદાકીય ઉપચારની જોગવાઈને અવગણે છે.

આ પરિવાર પોતાના ઘરે તાળા મારીને રેલીમાં આવી ગયો છે. “અમારા પીંડ [ગામ] માં કોઈ એવું નથી કે જે પોતાનું ઘર છોડે અને પાછું ફરે. તમે તમારો સમય એ રીતે ગોઠવો કે જેથી કોઈ હંમેશા ઘરે હોય જ. પણ આ વખતે અમે એ તરફ ધ્યાન જ ન આપ્યું: જો કોઈ અમારું ઘર લૂંટવા માંગતું હોય તો એમને લૂંટવા દો; આમ પણ જો આ ‘કાળા’ કાયદાઓ રદ્દ નહીં થાય તો શું વધશે?” લખવીર પૂછે છે.

તેઓ કહે છે કે પ્રદર્શન સ્થળે જતા પહેલાં તેમણે મોટર ચાલુ કરીને નવીન ઉગાડેલા ઘઉંને પાણી પાયું. તેમને આશા છે કે ભવિષ્યમાં ફક્ત સારો પાક જ નહીં થાય, પણ તેમના બાળકોના ભવિષ્યને અસર કરતાં નવા કાયદાઓ પણ રદ્દ થશે. તેમણે કહ્યું કે, “અમે આ પ્રદર્શનમાં આ બાળકો માટે બેઠા છીએ.”

આ અહેવાલ સૌપ્રથમ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં અમુક નામ ખોટી રીતે દર્શાવવામાં આવ્યા હતા. અમને આ ભૂલ બદલ ખેદ છે.

Editor's note

સોમ્યા ઠાકુર છત્તીસગઢ યુનિવર્સીટીની બીબીએલએલબીની ચોથા વર્ષની વિદ્યાર્થીની છે. તે ખેડૂત પરિવારમાંથી આવે છે અને વિદ્યાર્થી એક્ટીવીઝ્મમાં જાતી સંવેદના અને નાગરિકતા જેવા મુદ્દાઓ સાથે જોડાયેલ છે. તેઓ કહે છે: “હું સિંઘુ સ્થિત મારા ઘરેથી પ્રદર્શનનો અહેવાલ નોંધવા આવી છું. પંજાબ ખેડૂત યુનિયનની એક સભામાં મેં આ પરિવાર વિષે સાંભળ્યું અને પછી તેમનાં વિષે લખવાનું નક્કી કર્યું. હું પી. સાઈનાથનું પુસ્તક ‘એવરીબડી લવ્સ અ ગૂડ ડ્રોટ’ વાંચી રહી છું અને હાંશિયામાં ધકેલાયેલા લોકો વિષે લખવા પ્રેરિત થઇ છું.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

ફૈઝ મોહંમદ એક લેખક અને અનુવાદક છે. તેમને ટેક્નોલોજી, રમતગમત અને ભાષાઓમાં રસ છે.