મુંબઇના આઝાદ મેદાનમાં, મહારાષ્ટ્ર ના ખૂણે ખૂણેથી ખેડૂતો 24-25 જાન્યુઆરીએ દિલ્હીમાં ચાલી રહેલ આંદોલનને સમર્થન આપવા સંયુક્ત શેતકરી કામગાર મોર્ચા દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મુંબઇના વિક્રોલીના રહેવાસી સોળ વર્ષના ઓમપ્રકાશ અને અને અંધેરીના રહેવાસી 18 વર્ષીય કૃષ્ણ ગુપ્તાએ આ વિરોધ પ્રદર્શન સ્થળે પોતાનું સમર્થન જાહેર કરવા ત્યાં સમય ગાળ્યો અને તેઓ જે લોકોને મળ્યા, જેમની સાથે વાત કરી, આજુ- બાજુ જે જોયું તેનું દસ્તાવેજીકરણ પણ કર્યું . આ કામ કરવાની પ્રક્રિયામાં તેઓ શીખ્યા કે આપણો ખોરાક કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે ઉગાડનારા લોકો કેવું જીવન જીવે છે.
ઓમપ્રકાશ
જ્યારે હું આઝાદ મેદાનની નજીક મારી બસથી નીચે ઉતર્યો ત્યારે મેં જોર જોર થી લગાવાતા નારાઓ સાંભળ્યા: “કાલે કાનૂન કો વાપસ લો [કાળા કાયદા પાછા લો]” અને “અદાણી અંબાણી હાય હાય.” મેં આંદોલનકારીઓનું એક જૂથ જોયું જે લાલ ધ્વજા લઇ જઈ રહ્યા હતા અને હું પણ તેમની પાછળ મૈદાન તરફ ચાલી પડ્યો. હું એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે 25 એકડ માં ફેલાયેલ આખું મૈદાન ખેડૂતો અને ખેડૂતોના સમર્થકોથી ભરાયેલું હતું. ત્યાં સુધી, મને તો એવું જ લાગતું હતું કે નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂતો દિલ્હીની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
તે દિવસે આઝાદ મેદાનમાં આવ્યા પહેલાં, મને લાગતું હતું કે કે ખેડૂતો પોતાનો પાક મંડીમાં વેચે છે અને અમે ત્યાંથી અમારા માટે અનાજ ખરીદીએ છીએ. મને એમએસપી [લઘુત્તમ ટેકાનો ભાવ], આવશ્યક ચીજવસ્તુઓની સૂચિ, વગેરે વિશે કોઈ ખ્યાલ નહોતો. મને ધીમે ધીમે ખ્યાલ આવવા લાગ્યો કે હું અને મારા મિત્રો એક એવા મહત્વના મુદ્દાથી અજાણ હતા જે દેશભરના હજારો લોકોને અસર કરે છે.
હું જ્યારે પણ આગલા બે દિવસમાં મેદાનમાં લોકોને મળ્યો ત્યારે હું આપણા દેશના ખેડુતો કેવી પરિસ્થિતિ રહે છે તે વિષે થોડું વધારે સમજતો ગયો.
મારો પરિવાર ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો છે. જૌનપુરના બરસાથી બ્લોકમાં આવેલા અમારા ગામ ગોરા પટ્ટીમાં અમારી પાસે લગભગ એક વીઘા જમીન (અડધા એકડથી પણ ઓછી) હતી. અમારી ઘણી જમીન તો દેવાની ચુકવણી કરવા માટે વેચી દેવામાં આવી છે અને અમારી પાસે તેની સિવાય બીજું કઈ જ ન હતું.
અમારા પરિવાર માટે ખેતીથી થતી આવક પૂરતી નહોતી; તેઓ તેમની જમીન પર જે ઉગાડતા હતા તેનાથી માંડ માંડ તેમનું ગુજરાન ચાલતું હતું. તેથી, મારા દાદા કામ શોધવા માટે મુંબઈ આવ્યા હતા. તેમને અહીં મિલમાં કામ મળ્યું અને મારા પિતા પણ બુક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ મેળવી તેમની સાથે અહીં આવી ગયા. અમારું કુટુંબ ત્યારથી અહીં જ રહે છે.
મુંબઇની અમારી શાળામાં, અમે ખેડૂતો વિશે શીખીએ છીએ અને જાણીયે છીએ કે તેઓ આપણા માટે ખોરાક ઉગાડે છે. અમારી શાળાના પુસ્તકોમાં તેમના વિશેના ઉલ્લેખો ખુબ ઓછા છે. અમે કેટલાક પાક વિષે અને તે કેવી રીતે ઉગાડવામાં આવે છે તે વિશે શીખ્યા છીએ. પણ તેઓને ખેતીમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેઓ કઈ પરિસ્થિતિમાં રહે છે, તેઓએ જે લોન લેવી પડે છે – તે વિશે અમે શીખ્યા નથી અને અમે ક્યારેય વિચાર્યું પણ નથી. આપણને માત્ર એટલી ખબર છે કે તેઓ ગામડામાં રહે છે અને આપણો ખોરાક ઉગાડે છે.
આપણામાંના કોઈપણ [વિદ્યાર્થીઓ] ખેડૂત બનવા માંગતા નથી. આપણા બધાના બીજા સપનાઓ છે. જો આપણે ડૉક્ટર બનવા માંગતા હોઈએ તો તે બનવા માટે આપણને બધુજ માર્ગદર્શન આપવામાં આવે છે, પરંતુ ભાવિ કારકિર્દી તરીકે ખેતીનો વિકલ્પ જ આપવામાં આવતો નથી.
આઝાદ મેદાનમાં હું કંચનને મળ્યો જે ગ્રેજ્યુએટ છે અને છતાં તે બીજાના ખેતરોમાં દાડીયા તરીકે કામ કરે છે અને આટલા લાંબા કલાકોની મહેનત પછી પણ માત્ર 150-200 રૂપિયા દિવસના કમાય છે. હું 3 મહિલાઓની એક ટોળકીને પણ મળ્યો અને હું તેમની વાર્તાઓ તરફ દોરાઈ ગયો. અજાણ્યા વ્યક્તિઓ સાથે વાત કરતી વખતે થતો સંકોચ મારા મનમાંથી ગાયબ થઇ ગયો. તેઓ બધા લગભગ 60 વર્ષની ઉમર આસપાસના હતા અને વિધવા હતા. ગૌરાબાઈ તાઈએ મને કહ્યું કે તે, મંજુલા તાઈ અને દ્રૌપદી તાઈ અન્ય લોકોના ખેતરોમાં દાડીયા હતા. તેઓ સ્વતંત્ર રીતે જીવવા માટે પૂરતી કમાણી કરી લેતા.
આ મેં જે કલ્પના કરી હતી તેનાથી ખૂબ જ અલગ હતું – મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી વિધવા સ્ત્રીઓને એકલા બહાર જવાની છૂટ નથી હોતી અને તેમના પતિના અવસાન પછી તેઓ સામાન્ય જીવન જીવી શકતા નથી. તેઓએ મને કહ્યું કે લોકડાઉન પેહલા સુધી તેઓ આર્થિક રીતે પોતાનું ધ્યાન રાખવામાં સક્ષમ હતા પણ લોકડાઉન પછી કામ મળવાનું ઓછું થતું ગયું.
હું લોકડાઉનની તેમના જીવન પર કેવી અસર થઇ છે તે સમજી શક્યો કારણ કે મારા પિતા રિક્ષા ડ્રાઇવર છે અને મારો ભાઈ અમારી બસ્તી [કોલોની] માં ટ્યુશન ક્લાસ લે છે. અમે તેમની દૈનિક કમાણી પર આધાર રાખીએ છીએ અને લોકડાઉન દરમિયાન બંને પાસે કામ ન હતું.
આંદોલનકારી ખેડૂતો તેમની માંગણીઓ સંભળાવા માંગે છે જેથી તેમના બાળકોને તેમના જેવી મુશ્કેલીઓ વેઠવી ન પડે. જો પરિસ્થિતિઓ આવી જ રહેશે તો વધુ ખેડુતોને ખેતી છોડીને નોકરીની શોધવાની ફરજ પડશે. જો ખેડુતો ખેતી છોડી દેશે તો આપણો ખોરાક કોણ ઉગાડશે?
તે દિવસે ઘરે ગયા પછી, મેં મારા અનુભવ વિશે મારા ઘરના લોકોને બધી વાત કરી અને મારો ભાઈ આ સાંભળી ખુબ ખુશ થયો કે મને ખેડૂતોને મળવા મળ્યું અને તેમની પાસેથી આ મુદ્દાઓ વિશે મેં સાંભળ્યું.
ક્રિષ્ના ગુપ્તા
તે દિવસે આઝાદ મેદાન એક નાનું ગામડુ લાગતું હતું. હું ખેડૂતોના આંદોલનમાં જોડાવા આવ્યો હતો અને અહીં સમગ્ર મહારાષ્ટ્રથી લોકો આવ્યા હતા. મારા માતાપિતા જાણતા હતા કે હું ત્યાં જાઉં છું પણ તેઓ એ જાણતા ન હતા કે શું થઈ રહ્યું છે. હું વધુ જાણવા માટે ઉત્સુક હતો. મને આશ્ચર્ય થયું કે ઘણા લોકોને આ વિશે ખબર નહોતી.
હું સવારે 10 વાગ્યાની આસપાસ અંધેરીના મારા ઘરેથી નીકળ્યો અને બપોરના 1:30 વાગ્યે મૈદાને પહોંચ્યો. અહીં ભારે ટ્રાફિક હતો અને બસ મળવી મુશ્કેલ હતી. પણ મને ક્યારેય પાછું વળવાનું મન થયું નહીં.
મારા નાના – નાની એક સમયે મહારાષ્ટ્રના પાલંડુર ગામમાં ખેડૂત હતા. તેઓને પૈસાની જરૂર પડતા તેમને તેમની જમીન વેચવી પડી હતી. મને યાદ છે કે ચાર વર્ષ પહેલાં લણણીના સમયે ગોંદીયા જિલ્લાના મારા માતાના ગામની મેં મુલાકાત લીધી હતી. બધા લોકો એકબીજાના ચહેરા પર રંગો લગાવીને ઉજવણી કરી રહ્યા હતા – જાણે કે હોળી ઉજવાતી હોય! ત્યારે મને સમજાયું કે સારો પાક તેમના માટે કેટલો મહત્વપૂર્ણ છે. મેં એવું પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જંગલ અધિકારીઓ સામે કેટલીક વાર સંઘર્ષ કરવો પડે છે કારણ કે તેમને જંગલની સરહદ પર જમીન ખેડવા દેવામાં આવતી નથી. આપણો ખોરાક ઉગાડવા માટે ખેડુતોને લડવું પડે છે.

હું નંદુરબાર જિલ્લાના ખેડુતો જે સમયે પોહોંચ્યાં તે જ સમયે મેદાનમાં પહોંચ્યો. તેઓ શિબલી, જે એક ખાલી નળ-આકારનો વાંસ નો ટુકડો છે જેની અંદર એક દડો હોય છે અને તે ફૂલ આકારમાં ગોઠવાયેલ દોરાઓથી સજાવેલું હોય છે, પકડીને ઉભા હતા. તેનું વજન ત્રણથી પાંચ કિલોગ્રામ હોય છે અને તેને ફૂલો અને માળાઓમાં લપેટવામાં આવે છે અને તેને રંગીન અને આકર્ષક બનાવાય છે. શિબલી માથા પર રાખવામાં આવે છે અને તેની આસપાસના લોકો ઢોલ ની તાલ પર નાચતા હોય છે, જે તેમની સાથેની વ્યક્તિ દ્વારા વગાડવામાં આવે છે. મને આના વિષે ખબર ન હતી પણ મે જયારે પૂછ્યું ત્યારે મને ખબર પડી.
ભિલ-આદિવાસી ખેડૂત અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શેતકરી કામગાર સંગઠનના સભ્ય ગાવિત મોહને મારી સાથે મંડી વ્યવસ્થા, એમએસપી (લઘુત્તમ ટેકાનો ભાવ) અને તેમના જેવા ખેડુતો તેના પર કેવી રીતે આધાર રાખે છે તેના વિશે વાત કરી. મને આ વિષય પર વધારે ખબર નહોતી અને તેમણે તેને સરળ ભાષામાં સમજાવ્યું. તેમણે મને કહ્યું કે તે નવાપુર તાલુકાના તેમના ગામ નિમદાર્ડે સ્કૂલના વિદ્યાર્થીઓને તેઓ ગણિત અને મરાઠી શીખવે છે.
હું મેદાનમાં આસપાસ ચાલવા લાગ્યો અને અલગ અલગ વસ્તુઓનું નિરીક્ષણ કરવા લાગ્યો. કેટલાક ખેડુતો લાંબી મુસાફરી અને કલાકો સુધી ચાલવાના કારણે થાકીને તંબુમાં સૂતા હતા. કેટલાક સ્ટેજ પરનો કાર્યક્રમ જોઈ અને સાંભળી રહ્યા હતા, અને બીજા લોકો ફૂડ સ્ટોલ્સ તરફ જઈ રહ્યા હતા.
Editor's note
ઓમપ્રકાશ (જે ફક્ત તેમના પેહલા નામનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે) તે મુંબઇની રામનીરંજન ઝુંઝુંવાલા કોલેજના 11માં વર્ગના વિદ્યાર્થી છે.
ક્રિષ્ના ગુપ્તાએ 2020 માં બારમું ધોરણ પૂરું કર્યું છે અને ત્યારબાદ તેમના પરિવારને ટેકો આપવા માટે અમુક કામો કરવાના ચાલુ કર્યા છે.
જ્હાનવી સોધા જાહન્વી અમદાવાદ યુનિવર્સિટીમાં ક્રિટિકલ થિંકિંગ અને લિબરલ આર્ટ્સ ડિપ્લોમા પ્રોગ્રામના વિદ્યાર્થી છે અને યુથ ફોર સ્વરાજ સાથે કામ કરે છે. તેમને પર્યાવરણ અને ઇતિહાસમાં રસ છે.