
“સરકારી દસ્તાવેજો મેળવવાની શોધનો કોઇ અંત જ નથી.”
કોટીશ્વરી એસ. એ એવા રેશન કાર્ડ વિષે વાત કરી રહ્યાં જે તેમના પાંચ જણના પરિવારનું પેટ ભરવામાં મદદ કરશે. અત્યારે આ દૈનિક વેતન કામદારને ભોજન માટે તેમના બાળકોને શાળામાં મળતા બપોરના ભોજન પર આધાર રાખવો પડે છે, જે તેમના પરિવારને પોસાય તેવું એક માત્ર ભોજન છે.
તેઓ ચેન્નાઈ જિલ્લાના તોનદિરપેટ તાલુકાના કોરુંક્કુપેટમાં તેમના પતિ શણમુગમ અને તેમના ત્રણ બાળકો – ૧૨ વર્ષીય અરુણ, ૧૦ વર્ષીય લક્ષ્મી, અને એક વર્ષની નેત્રા – સાથે રહે છે.
મહામારી દરમિયાન જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે તેમની સ્થિતિ વધુ ખરાબ હતી. નેત્રાને આવવાની રાહ જોતાં કોટીશ્વરી કહે છે, “ભૂખ ભયંકર હતી.” કોઈ રેશનકાર્ડ ન હોવાને કારણે, પરિવાર મહામારી દરમિયાન વિતરણ કરવામાં આવતા મફત રેશન અને કરિયાણા માટે પાત્ર ન હતો. તેઓ ઉમેરે છે, “અમારે વધુ સંઘર્ષ કરવો પડ્યો.”
દંપતીએ થોડા વર્ષો પહેલાં તેમનું આધાર કાર્ડ મેળવ્યું હતું અને સરનામાના પુરાવા તરીકે તેનો ઉપયોગ કરીને રેશનકાર્ડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ કહે છે કે તોનદિરપેટ તાલુકા ઓફિસના અધિકારીઓ સરનામાના પુરાવા તરીકે ગેસ બિલ માગતા હતા. કોટીશ્વરી કહે છે, “અમારી પાસે ગેસ કનેક્શન નથી. અમે ફક્ત લાકડાના ચૂલાનો જ ઉપયોગ કરીએ છીએ. નવું ગેસ કનેક્શન મેળવવા માટે હજારો રૂપિયા ખર્ચ થશે. અમે દરરોજ ફક્ત ૧૦૦–૨૦૦ રૂપિયાની કમાણી કરીએ છીએ તેમાંથી નવું કનેક્શન લેવું શક્ય નથી.”


આ દરમિયાન, ૩૯ વર્ષીય શણમુગમ એમ. તેમના પરિવારને અનુસૂચિત જાતિ (એસ.સી.) તરીકે ઓળખ આપે તેવું પ્રમાણપત્ર મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમને આશા છે કે તેઓ તેમના બાળકોને અનુસૂચિત જાતિના કારણે મળતા રાજ્યના લાભો માટે પાત્ર બનાવશે. તેઓ કહે છે, “તેઓ [અધિકારીઓ] જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે મારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માગે છે. તેઓ એવા દસ્તાવેજો માગે છે જે અમારી પાસે નથી.”
જાતિ પ્રમાણપત્ર આવવાથી તેઓ એવી યોજના માટે અરજી કરી શકશે જેનાથી તેમને દર વર્ષે બાળક દીઠ ૫,૦૦૦ રૂ. સહાય મળશે. આ તમિલનાડુના આદિ દ્રાવિડર અને આદિજાતિ કલ્યાણ વિભાગ હેઠળ આપવામાં આવે છે. તેઓ કહે છે, “આ સાથે સરકાર મારા બાળકોના સારા ભવિષ્ય માટે તેમના બેંક ખાતામાં કેટલાક પૈસા રોકશે.”
પરંતુ તેમાં એક અનપેક્ષિત સમસ્યા છે: ૭ વર્ષની વયથી સ્ટીલના કારખાનામાં કામ કરી રહેલાં ૩૫ વર્ષીય સ્ત્રી પૂછે છે, “ન તો મારા પતિ શાળાએ ગયા છે કે ન હું. હું આ દસ્તાવેજ કેવી રીતે તૈયાર કરી શકીશ?” તે પછી તેમણે અન્ય નોકરીઓ કરી – ચૂનાના પત્થરના કારખાનામાં નોકરીમાં સ્થાયી થતાં પહેલાં તેમણે ખેતરોમાં, ઇંટોના ભઠ્ઠામાં, બાંધકામ સાઇટ્સ પર, દૈનિક વેતન મજૂર તરીકે અને અન્ય કામો કર્યા.
તેઓ કહે છે, “હું શાળાએ જઈ શકી ન હતી. મારા પતિ પણ ભણેલા નથી. અમે જે પરિસ્થિતિમાં હતા, તેમાં ખરેખર અમારી ભૂલ નહોતી, પરંતુ તે હવે અમને અસર કરી રહી છે.”
મહામારી પહેલાં, કોટીશ્વરી અને તેમના પરિવારે શણમુગમના મોટા ભાઈના શાળા બદલ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને તેમના બાળકો માટે જાતિ પ્રમાણપત્રની પ્રક્રિયા કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકડાઉન દરમિયાન તેઓ ફોલોઅપ કરી શક્યાં ન હતાં અને તે પછી જ્યારે કોટીશ્વરી તોનદિરપેટ તાલુકા ઑફિસમાં તેના વિષે પૂછપરછ કરવા માટે સંપર્ક કર્યો, ત્યારે તેમને નિરાશાપૂર્વક જાણવા મળ્યું કે તેમનું પ્રમાણપત્ર આવી ગયું હતું પણ કોઈ તેને લેવા નહોતું આવ્યું તેથી તેને પરત કરવામાં આવ્યું હતું.


આ સમય દરમિયાન, નિયમો બદલાઈ ગયા છે અને હવે તેમના પતિના ભાઈના કાગળો તેમના પરિવાર માટે માન્ય નથી. તેના બદલે, જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે તેમને તેમના પતિના શાળાના દસ્તાવેજો લાવવાનું કહેવામાં આવ્યું છે.
પરંતુ કોટીશ્વરીએ હજું હાર નથી માની. તેઓ કહે છે, “હું ઈચ્છું છું કે મારા બાળકો યોગ્ય શિક્ષણ મેળવે અને જીવનમાં સારું કરે. હું તેના માટે કંઈપણ કરવા તૈયાર છું.”
આ દંપતીએ ૨૦૦૯માં લગ્ન કર્યાં હતાં અને તે પછી એક દાયકા સુધી તેઓ ચૂનાના પત્થરના કારખાનામાં દૈનિક વેતન મજૂરી તરીકે કામ કરતાં હતાં. જ્યારે ૨૦૨૦માં પ્રથમ લોકડાઉન થયું, ત્યારે કારખાનું બંધ થઈ ગયું અને તેની સાથે તેમની ૨૫૦–૩૦૦ રૂ. ની દૈનિક કમાણી પણ. તેઓ કહે છે, “અમને બીજી નોકરી મળી ન હતી, પણ અમે ભીખ માંગી ન હતી. અમે અમને મળેલી થોડી રાહત સામગ્રીથી ગુજારો કર્યો હતો.”
શરૂઆતમાં, શણમુગમે વજન ઉંચકવાનું કામ શધવાનો પ્રયાસ કર્યો, પણ તે નિયમિત કામ ન હતું. તેઓ કહે છે, “મને દરરોજ કામ મળતું નથી, અઠવાડિયામાં માંડ બે વાર જ મળે છે.” જે દિવસોમાં તેમને કામ મળતું, તે દિવસોમાં તેઓ ૩૦૦–૫૦૦ રૂ. કમાણી કરતા.
દંપતીએ તેમની નોકરી ગુમાવ્યાના દસ મહિના પછી, કોટીશ્વરીએ ચેન્નાઈના પુઝાલમાં પશ્ચિમ કાવંગરાઈ નામના વિસ્તારમાં જે.એમ.એચ.આઈ. બજારમાં કામ કરવાનું શરૂ કર્યું, જેને પુઝલ માછલી બજાર તરીકે પણ ઓળખાય છે, તેઓ ગ્રાહકો માછલી વિક્રેતાઓ પાસેથી જે માછલી ખરીદે છે તેને કાપવાનું અને સાફ કરવાનું કામ કરે છે. તેઓ કહે છે કે આ કામ તેઓ નોકરી દરમિયાન જ શીખ્યાં હતાં.
દૈનિક મજૂરી કરતાં કોટીશ્વરીના દિવસની શરૂઆત સવારે ૪:૩૦ વાગ્યે શરૂ થઈ જાય છે, જ્યારે તેઓ તેમના બાળકો માટે ઘર તૈયાર કરે છે – મોટા બાળકો શાળાએ જાય છે માટે તેમને યુનિફોર્મમાં તૈયાર કરવાં પડશે. આ પરિવાર મોટાભાગે નાસ્તામાં ચા પીવે છે. તેણીનું સૌથી નાનું બાળક, નેત્રા કે જે એક વર્ષની છે, તે કોટીશ્વરી બપોરે ૨ વાગ્યે પરત ન આવે ત્યાં સુધી પડોશીઓ અથવા શણમુગમની માતા સાથે રહે છે.



સવારે ૬ વાગ્યા સુધીમાં કોટીશ્વરી તેમના પડોશી અને સહેલી એવાં રાજેશ્વરી સાથે કોરુંક્કુપેટ બસ સ્ટેન્ડથી સાર્વજનિક બસમાં ચઢે છે. તેઓ સવારે ૭ વાગ્યા સુધીમાં પહોંચી જાય છે અને સાથે મળીને તે સ્થળ પર જાય છે જ્યાં તેમના જેવા અન્ય લોકો માછલી સાફ કરવા માટે રાહ જોઈ રહ્યાં હોય છે. જે ગ્રાહકોએ માછલી ખરીદી છે, તેઓ તેમની માછલીને સાફ કરાવવા માટે તેમને થોડા પૈસા આપે છે.
આ નોકરીમાં પણ તેના વિશિષ્ટ પડકારો છે: કોટીશ્વરી કહે છે, “માછલી બજારના લોકો અમને ભગાડી મૂકે છે અને અમને માછલી કાપવાની મંજૂરી નથી આપતા કારણ કે અમે તેઓ જેટલા પૈસા વસૂલ કરે છે એના કરતાં ઓછા પૈસા વસૂલ કરીએ છીએ. તેઓ અચાનક આવીને અમારી છરીઓ છીનવી લે છે. તેઓએ અમારી પાસેથી અમારા [બે] મોબાઈલ ફોન પણ છીનવી લીધા છે.”
મહિલાઓ આ માટે ખાસ છરીઓ વાપરે છે અને એક નવી છરીની કિંમત લગભગ ૧૦૦–૨૦૦ રૂપિયા છે. કોટીશ્વરી કહે છે કે તે એક દિવસની કમાણી છે. બન્ને મહિલાઓએ દિવસભરમાં તેમણે કમાયેલા લગભગ ૩૦૦ રૂપિયા આપસમાં વહેંચી લીધા; સપ્તાહના અંતે તેઓ બમણી રકમ કમાઈ શકે છે.
રાજેશ્વરી કહે છે, “અમે જે તે દિવસે જેટલી કમાણી કરીએ તેમાંથી તે દિવસનું ભોજન ખાઈએ છીએ. અમે દિવસમાં માત્ર એક જ વાર ભોજન ખાઈએ છીએ. અમે નાસ્તા અને સાંજના વાળામાં માત્ર ચા જ લઈએ છીએ.” કોટીશ્વરી એ વાતનાં આભારી છે કે તેમનાં બાળકોને કોરુંક્કુપેટની સરકારી શાળામાં બપોરનું ભોજન મળે છે. તેઓ કહે છે કે એક સામાન્ય વ્યવસ્થા મુજબ, કોટીશ્વરી કેટલીકવાર તે લોકો પાસેથી ઓછા ભાવે રેશનના ચોખા અને દાળ ખરીદે છે જેનો તેઓ ઉપયોગ કરતા નથી. જો કે આ ઉપહાસ જ છે કે જે રેશન કાર્ડ કાયદેસર રીતે તેમનું હોવું જોઈએ તેનો આ દંપતી પીછો કરી રહ્યાં છે.
શણમુગમ તેઓ જે મૂંઝવણ અને અનિશ્ચિતતાનો સામનો કરે છે તેનો સારાંશ આપતા કહે છે, “અમે કાર્યવાહી સમજી શકતા નથી કે ન તો તેઓ શું અપેક્ષા રાખે છે તે સમજી શકીએ છીએ.”
પારી હોમપેજ પર પાછા ફરવા માટે, અહીં ક્લિક કરો.
Editor's note
આધિત્યા શ્રીહરિ ૨૦૨૨માં જ્યારે પારી સાથે તાલિમ લઈ રહ્યા હતા ત્યારે ચેન્નાઈની મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં તેમના સ્નાતક અભ્યાસના અંતિમ વર્ષમાં હતા. તેઓ કોટીશ્વરીને એટલા માટે પ્રોફાઈલ કરવા માગતા હતા કારણ કે તેમને લાગ્યું કે ડિજિટલ સાક્ષરતાના નવા યુગમાં મૂળભૂત દસ્તાવેજો મેળવવા માટે તેમના સંઘર્ષને લોકો સામે લાવવો જરૂરી છે. તે
ઓ કહે છે, “કોટીશ્વરીને મળવાથી વિકાસ સંબંધિત મુદ્દાઓ પર મારી નજર બદલાઈ ગઈ. રિપોર્ટિંગની પ્રક્રિયાએ મને સામાન્ય લોકોના જીવનને સમજવામાં અમુક અંશે મદદ કરી. વાર્તાને વર્ણનાત્મક માળખું પૂરું પાડવું અને ચિતારને સંપાદિત કરવાની પ્રક્રિયાએ વિકાસ પત્રકારત્વના ક્ષેત્રમાં સહાનુભૂતિનું મૂલ્ય મને સમજાવ્યું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ
ફૈઝ મોહંમદ એક લેખક અને અનુવાદક છે. તેમને ટેક્નોલોજી, રમતગમત અને ભાષાઓમાં રસ છે.