રામ બહાદુર ઉત્તર પ્રદેશના મોહનલાલગંજ તહસીલના સાત ગામોમાંના એક – કમાલ પુર બિચિલ્કામાં તેમની બે વીઘા – આશરે એક એકડ જમીન પર ચોખા અને ઘઉં ઉગાડે છે. સારા વર્ષે, તેમની જમીન પર આશરે 20 ક્વિન્ટલ ચોખા અને 14 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે, જેમાં 50 વર્ષના આ ખેડૂત અડધું ઉત્પાદન તેમના પરિવારનું પેટ ભરવા રાખી લે છે અને બાકીનું અનાજ તેઓને વેચવું પડે છે. તેઓ કહે છે કે, “અમે ખેતીમાંથી જે કમાઈએ છીએ તે અમારી જવાબદારી નિભાવા – બાળકોને ભણાવા અને બીમારી સમયે જયારે જરૂર પડે તે માટે પૂરતું નથી.”

કમાલ પુર બિચિલ્કા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી લગભગ 50 કિલોમીટર દૂર છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં 92 ટકા ખેડૂત રામ બહાદુર જેવા છે – નાના અને સીમાંત ખેડૂતો જે તેમની અમુક એકડ જમીનને આધારે જેમ તેમ કરી જીવનનિર્વાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કમાલ પુર બિચિલ્કામાંથી કોઈ પણ ખેડૂત 500 કિલોમીટર દૂર દિલ્હીમાં ખેડૂતોના આંદોલનમાં સામેલ થઈ શક્યા નથી, પણ તે બધા દિલ્હીના કિસાન આંદોલનનું સમર્થન કરે છે . તેઓ કહે છે કે “અમારા જેવા નાના ખેડૂતોને ખાનગી વેપારીઓ અથવા સરકાર તરફથી યોગ્ય ભાવ મળતો નથી. અમે ખોરાક પૈદા કરીએ છીએ, પણ ખાવા માટેનો અમારો વારો હમેશા છેલ્લો જ હોય છે.”

લખનૌ જિલ્લાના આ ગામમાં 472 ઘરો છે અને તેમાંથી મોટા ભાગના ઘરો ખેતી સાથે સંકળાયેલા છે. અહીં લગભગ બધા ઘરોની બહાર ગમાણ બનેલા છે.  નાના કાચા રસ્તાઓ વચ્ચે છાણાંના ઉપલા તડકામાં સુકાઈ રહ્યા છે.

નદીનો એક નાનો પ્રવાહ ગામમાંથી પસાર થાય છે પરંતુ સિંચાઇ માટે તે પાણી પૂરતું નથી. મોટાભાગના ખેડૂતોએ તેમના પાક માટે જમીન હેઠળનું પાણી લેવા બોરેવેલ ખોદયા છે. રામ બહાદુર, જે પોતાના 2 વીઘા ના ખેતર માં સિંચાઈ માટે 2 ટ્યુબવેલ ધરાવે છે તેઓ કહે છે કે, “ટ્યુબવેલ ચલાવા માટે અને ડાંગર વાવેલ એક વીઘા જમીન સિંચવા માટે લાગતા ડીઝલનો ખર્ચો 3000 રૂપિયા જેટલો થાય છે.”

‘માત્ર ખેતી કરવી એ પૂરતું નથી’

33 વર્ષીય સરિતા પાલ ખેડૂત છે અને એક  વીઘાજમીન, એક ગાય અને એક ભેંસના માલિક છે. ચોખા અને ઘઉં ઉગાડવા માટે તેમણે ખેતરમાં 3 ટ્યુબવેલ નખાવ્યા છે. તેઓ કહે છે કે તેમની મોટર ખૂબ ધીમી છે અને તેમની અડધી એકડ  જમીનની સિંચાઈ કરવામાં પાંચ કલાક જેટલો સમય લાગે છે જેના કારણે ડીઝલનો ખર્ચ ખૂબ વધી જાય છે.

“હું ગામમાં આવતા બિચોલીયા (વચેટિયા) ને મારો પાક વેચુ છું. ડીઝલ, ખાતરો, જંતુનાશક દવાઓ, વગેરે પર જે ખર્ચ કર્યો છે તે બાદ કર્યા પછી, મને પાક દીઠ સીઝનમાં આશરે 10,000 રૂપિયા મળે છે, “તેઓ કહે છે. “માત્ર ખેતી કરવી તે પૂરતું નથી. મારા પતિની કમાણીને કારણે જ અમારા ઘરનું ગુજરાન ચાલે છે, ” લખનૌ શહેરમાં તેમના પતિ અવધ પાલ યાદવની ચોકીદાર તરીકેની નોકરીનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે.

આ ગામના તમામ  ખેડૂતો  સીધા વચેટિયાને વેચે છે જે લણણી સમયે તેમના ખેતરે આવી પોહોંચે છે. તેમના પાકના ખરીદદારો તેમના શાહુકારો પણ છે જે 2-5 ટકા વ્યાજ લે છે. એને ઉમેરો તો વાર્ષિક વ્યાજદર વધીને 24-60 ટકા સુધી થઇ જાય છે.

“જો બોરેવેલ ખોદાવા અથવા ડીઝલ ખરીદવા માટે પૈસાની જરૂર પડે તો અહીંયાના શાહુકાર પાસેથી પૈસા ઉધાર લેવા પડે છે અને જયારે પાક તૈયાર થાય છે, ત્યારે અમારે તે શાહુકારને જ તે જે કિંમત આપે તે કિંમતે અનાજ વેચવું પડે છે.”  અવધ પાલ તેમના જેવા નાના ખેડૂતોને જે નુક્સાનપૂર્ણ કરારો કરવા પડે છે તેમના શહૂકાર કમ ઘરાકો સાથે તેની વાત કરતા કહે છે. તે કિંમત મંડી માં મળતી કિંમત કરતા  ખૂબ જ ઓછી હોય છે.

“હું જ્યારે પણ મંડીમાં જઉં છું ત્યારે 20 કવીન્ટલ ચોખાના મને  36,૦૦૦ રૂપિયા મળે છે (એક ક્વિન્ટલ ચોખા માટે લઘુત્તમ ટેકાનો ભાવ અથવા એમએસપી આશરે 1835 રૂપિયા છે).  જ્યારે હું અહીં ગામમાં તેટલા જ ચોખા વેચું છું ત્યારે મને આશરે 24,000 રૂપિયા મળે છે, ” પાલ કહે છે. તેમની માટે અવાકમાં આવતા એટલા મોટા તફાવતને અવગણવું સેહલું નથી.

અવધ પાલે તેમનો પાક અમુક વાર મંડીમાં વેચ્યો છે. તે, તેમના ભાઈ અને કેટલાક અન્ય લોકો એક સાથે ટ્રેક્ટર ભાડે લે છે અને કિસાન સાધન સહકારી સમિતિમાં તેમનો પાક વેચવા જાય છે. પરિવહન માટે લગભગ રૂ. 40 પ્રતિ કવીન્ટલનો ખર્ચો આવે છે  જયારે આખું ટ્રેક્ટર ભરાઈ જાય છે ( 25 ક્વિન્ટલ ) – સંપૂર્ણ ખર્ચ 1000 રૂપિયા આવે છે જે તેઓ મળીને ચૂકવી દે છે.

“જો તમે ભાગ્યશાળી હશો, તો સરકારી અધિકારી ભ્રષ્ટ નીકળશે નહીં અને તમને સીધો ચેક આપશે. જો નહીં, તો તમારે તેને લાંચ આપવી પડશે; પણ મારી સાથે આવું હજી બન્યું નથી,” પાલ કહે છે.

તેમની પુત્રી પ્રાચી 13 વર્ષની છે અને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે. “પ્રાચી મોટી થઈને શિક્ષક બનવા માંગે છે. તેને હિન્દીમાં ખૂબ રસ છે. મારો પુત્ર સૌરભ 4 ધોરણમાં છે,”સરિતા કહે છે. શાળાએ જતા તેમના બાળકોની વાત કરતાં તેમના મોઢા પર ગૌરવની લાગણી દેખાઈ આવે છે. “અમારૂ ગુજરાન પણ મુશ્કેલીથી ચાલે છે. એવામાં તેમના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ અમને કઈ રીતે પોસાશે? ” તેમના છોકરાઓના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા તેઓ પોતાની વાતમાં ઉમેરો કરે છે.

ખેતરના ફાટકે થતું વેચાણ

25-30 વર્ષના રાની (તે આ નામનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે) અને તેમના ભાભી મંજુ (તે આ નામનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે) એક  વીઘા જમીન (0.4 એકડ) માં, એક સાથે ચોખા અને ઘઉં ઉગાડે છે. તેઓ બટાકા જેવા પાક પણ ઉગાડતા પણ તેઓના કેહવા પ્રમાણે વાંદરાઓ અને નીલગાય તે પાક બગાડી નાખતા.

કમાલ પુર બિચિલ્કાની આ જમીન તેમના પતિની છે જે ભાઈઓ હતા. રાનીના પતિ – બંને ભાઈઓમાંના મોટા – કેટલાક વર્ષો પહેલા અવસાન પામ્યા હતા પણ બન્ને પરિવારો સાથે જ રહ્યા. તેઓ બન્ને ખેતરના કામમાંથી વિરામ લઇ અમારી સાથે વાત કરે છે અને મંજુ રાનીને મોટાભાગની વાત કરવા દે છે.

રાનીએ જણાવ્યું કે,”લોકડાઉન દરમિયાન દરેક વસ્તુના ભાવમાં વધારો થયો, પણ અમારા પાકનો ભાવ ઘટી ગયો.” તેમના પાકને વચેટિયાઓને જે ભાવ મળે તે ભાવે વેચે છે કારણ કે તેઓ તેમના આંગણેથી પાક ખરીદી લે છે અને આ રીતે વેચવું તેમના માટે  ખૂબ સેહલું છે. તેમનું કહેવું છે કે તેઓ મોટા બજારોમાં વધુ સારા ભાવ શોધવા માટે તેઓ તેમના બાળકોને ઘરે છોડી શકે તેમ નથી.

રાનીનો પુત્ર રિતેશ ધોરણ 4માં છે અને મંજુના પુત્રો પ્રાંકુર અને હિમાંશુ અનુક્રમે  5મા અને 6 ધોરણમાં છે. “કોઈ માતાપિતા ક્યારેય ઇચ્છતા નથી કે તેમનું બાળક ખેડૂત બને. અમે ઇચ્છીએ છીએ કે અમારા બાળકો અભ્યાસ કરે અને [ગામની બહાર) રોજગાર મેળવે. અમારું કામ તેમને શિક્ષિત કરવું અને તેમને ઉછેરવાનું છે, પરંતુ અમે તેઓને ભણાવા માટે અમે લાકડી લઈને પાછળ તો ના પડી શકીએ ને,”તે હસતાં હસતાં ઉમેરે છે.

તેમને નવા કાયદાઓ વિરુદ્ધ ઉભા થયેલ કિસાન આંદોલન પાસેથી વધારે આશા નથી. “કાયદા શું છે તે મહત્વનું નથી, પણ જમીનની વાસ્તવિકતા તો એમનીએમ જ  રહેશે – અમારા ખર્ચ વધી રહ્યા છે અને અમારી આવક ઘટી રહી છે. ખેડૂત પોતાનું અસ્તિત્વ આવી પરિસ્થિતિમાં કઈ રીતે બચાવી શકે? ” રાનીએ કહ્યું.

સુરેશ કહે છે કે, “મોંઘવારી એટલી વધી ગઈ છે કે હું કાં તો મારા ખેતરમાં રોકાણ કરી શકું અથવા મારા બાળકોને શિક્ષિત કરી શકું.”

‘આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી’

40 વર્ષના સુરેશ કુમાર પાસે ચાર  વીઘાજમીન છે, જેના પર તે ચોખા, ઘઉં, વટાણા, ડુંગળી, બટાકા અને રાઈ ઉગાડે છે. તેઓ તેમનો પાક ગામમાં આવતા વેપારીઓને વેચે છે. તેમના ચાર બાળકો ગામની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે. સુરેશ કહે છે કે તેઓ તેમના બાળકોને તેનાથી આગળ ભણાવી નહિ શકે. તેઓ કહે છે કે, ” મોંઘવારી  ખૂબ વધી રહી છે તેથી હું કાં તો મારા ખેતરમાં રોકાણ કરી શકું અથવા મારા બાળકોને ભણાવી શકું.” તેમનો આગામી પાક બટાકા અને રાઈનો છે અને તેમણે પહેલેથી જ જંતુનાશક દવા અને ખાતરો પાછળ 2000-3000 રૂપિયા ખર્ચી નાખ્યા છે.

સુરેશે તેમના ખેતરમાં આશરે 80-100 ફુટ ઊંડા ચાર ટ્યુબવેલમાં પણ રોકાણ કર્યું છે અને પ્રત્યેકની કિંમત આશરે રૂ. 80,000 છે. “ટ્યુબવેલ ચલાવવા માટે ડીઝલનો પ્રતિ લિટર 80-85 રૂપિયા ખર્ચ આવે છે. હું ફક્ત ડીઝલ પર પ્રતિ  વીઘા8000 રૂપિયા ખર્ચ કરું છું.” ખાતરો અને જંતુનાશક દવાઓના ખર્ચનો હિસાબ કરતા તેમણે કહ્યું કે, “જ્યારે આખો પાક વેચાઈ છે ત્યાર બાદ છ મહિના [પાક દીઠ] ના અંતમાં હું ભાગ્યે જ 2000-4000 રૂપિયા કમાઇ શકું છું. અમે લાચાર છીએ, પણ આ એકમાત્ર વસ્તુ છે જે અમે જાણીએ છીએ [આજીવિકા મેળવવા માટે]. “

જ્યારે દિલ્હી બોર્ડર પરના ખેડૂતોના આંદોલન વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુરેશે કહે છે કે, “જ્યારે માણસને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ત્યારે આંદોલન કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. અમારા જીવન [અને આજીવિકા] આટલા નીચા દરે વેચવામાં આવી રહ્યા છે જ્યારે બાકીની દરેક વસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આવામાં ખેડૂત શું ખાશે અને તે શું બચાવશે? ”

Editor's note

ગરીમા સાધવાની ચેન્નાઈની એશિયન કૉલેજ ઓફ જર્નાલિઝમના વિદ્યાર્થી છે. PARI માટેનો તેમનો બીજો લેખ છે. તેમનો પેહલો લેખ ચિનહાટ માટીકામના  નાજુક ભાવિ વિષે હતો અને 1 ડિસેમ્બર, 2020 ના રોજ PARI એજ્યુકેશનમાં પ્રકાશિત થયો હતો. તેઓ કહે છે કે : “ચાલી રહેલ કૃષિ કાયદાઓ વિરુદ્ધના આંદોલનમાં, હું લેખ માટે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી શકી તે માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું. મેં જે  ખેડૂતો  સાથે વાત કરી છે તેમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. તેઓ મુદ્દાઓ વિશે જાગૃત પણ છે અને મુદ્દાના જાણકાર પણ છે. ”

જ્હાનવી સોધા

જાહન્વી અમદાવાદ યુનિવર્સિટીમાં ક્રિટિકલ થિંકિંગ અને લિબરલ આર્ટ્સ ડિપ્લોમા પ્રોગ્રામના વિદ્યાર્થી છે અને યુથ ફોર સ્વરાજ સાથે કામ કરે છે. તેમને પર્યાવરણ અને ઇતિહાસમાં રસ છે.