
તેમના 14 ઓપેરશન થયા છે. 7 આ હોસ્પિટલ માં, 4 રાજકોટની જ દેવ હોસ્પિટલ માં અને 3 અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં.
પરંતુ કિડનીની બીમારીના દર્દી 30 વર્ષના વિરમભાઇની અગ્નિપરીક્ષા હજી પૂરી થઈ નથી.
રાજકોટની બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ડૉક્ટરો એ વિરમભાઇ અધરીયાને જણાવ્યું કે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરત છે. પણ માત્ર ઓપેરશનનો જ ખર્ચ 4.5 લાખ રૂપિયાનો થશે. તેમને કિડની આપનારા તેમના 28 વરસના પત્ની મનિષાબેન હશે. પણ આ ઉપાયમાં પણ મનિષાબેન અને વિરમભાઇ માટે મુશ્કેલીઓ જ છુપાયેલી છે.
કુટુંબના એક માત્ર શારીરિક રીતે સક્ષમ પુખ્તવયના વ્યક્તિ તરીકે, મનિષાબેન પર તેમના ઘર અને ત્રણેય છોકરાઓને કમાઈને સંભાળવાની જવાબદારી છે. તેઓ કહે છે કે,”જો મારી કિડની માટે ઓપરેશન કરવામાં આવશે તો મારે ઓછામાં ઓછો 6 મહિના માટે આરામ કરવો પડશે. એવામાં અમારી સંભાળ કોણ લેશે?” તેની સાથે તેઓ પોતાની વાત ઉમેરતા કહે છે કે,”અમારી માટે અત્યારે આકાશ ખૂબ ઊંચે છે, જમીન ખૂબ નીચે અને અમે અત્યારે ક્યાંય ના નથી રહ્યા.”

જ્યારે પણ વિરમભાઇ હોસ્પિટલમાં દાખલ થાય છે, ત્યારે તે ઇમરજન્સી જ હોય છે અને મનિષાબેનને તેમને દાખલ કરાવા માટે તાબડતોબ 20,000-30,000 રૂપિયા જમા કરવા પડે છે. એક વાર, તેમને પૈસા જમા કરવામાં એક મહિનાનો સમય લાગી ગયો અને તે દરમ્યાન વિરમભાઈની તબિયત ખૂબ બગડી ગઈ. જયારે તેઓ, તેમના શહેર ધ્રોલથી 2 કલાક ની મુસાફરી કરી રાજકોટ આવ્યા, ત્યારે તેમની પાસે જે પૈસા હતા તે પૂરતા ન પડતા તેઓને ઈમરજંસી સારવાર માટે દાખલ કરવામાં ન આવ્યા. આ કારણસર તેમને 200 કિલોમીટર દૂર અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવું પડ્યું. પણ ત્યાં સિવિલ હોસ્પિટલમાં પણ તેમને કહેવામાં આવ્યું કે તેમને 2 મહિના રાહ જોવી પડશે કારણ કે હોસ્પિટલમાં 2 મહિનાનું વેઇટિંગ હતું.
તેઓ રાજકોટ પરત ફર્યા અને તેમને વધુ પૈસા ઉધાર લેવા પડ્યા. વિરમભાઇ દર થોડા વાક્યો બોલતા થાકી જતા મનિષાબેન જ તેમની વાત કરતા કહે છે “મારી પાસે દરેક ઓપરેશનનો હિસાબ નથી. હું અભણ છું. મને જયારે જેટલા પૈસા આપવાનું કહેવામાં આવે છે, હું આપી દઉં છું. સારવારના પૈસા ચૂકવવા માટે અમે ગામના લોકો, અમારા સાગા સંબંધી અને જે લોકો પણ અમારી મદદ કરી શકે તેમ છે તેમની પાસેથી આ બિલો ચૂકવવા માટે અમે પૈસા લીધા છે.” તેઓ ઉમેરે છે,” અમારી પાસે ઘરે હોસ્પિટલના કાગળિયા અને બીલોની ફાઈલો ના ઢગલે ઢગલા પડ્યા છે.”
પાંચ વર્ષ પેહલા, તેમની પરિસ્થિતિ અલગ હતી. તેઓ બંને જામનગર જિલ્લાના કેશિયા ગામમાં 12 એકડના ખેતરમાં ગણોતિયા હતા (ભાડેથી જમીન લઇ ખેતી કરનારા), તે જમીન જોડિયા તાલુકાના એક ભરવાડ જમીનદારની માલિકીની હતી. મનિષાબેન કહે છે કે,” અમે કપાસ ઉગાડતા અને દર સીઝનમાં 50,000 થી 60,000 સુધી કમાઈ શકતા હતા.” તેઓ તે જમીન પર તેમના ઘર-વપરાશ માટે ઘઉં પણ ઉગાડતા.
ચાર વર્ષ પહેલાં વિરમભાઇની તબિયત લથડતાં તેઓને ખેતી છોડી દેવાની ફરજ પડી અને તેઓને કેશીયાથી ધ્રોલ શહેર આવવું પડ્યું જ્યાં તેઓ 10 બાય 10 ની એક ઓરડીમાં રહે છે જે તેમને મનિષાબેનના કાકાએ રહેવા માટે આપી છે.

તેઓ અહીં તેમના 3 સંતાનો – 10 વર્ષની દીકરી અસ્મિતા, 8 વર્ષના અમિત અને 6 વર્ષના રોહિત સાથે રહે છે. વિરમભાઇ અત્યારે સ્વસ્થ અને સક્ષમ નથી કે તેમને એકલા મૂકી શકાય અને તે કારણસર મનિષાબેન પણ બહાર જઈ કોઈ દાડી કામ શોધી શકતા નથી. મનિષાબેન પૂછે છે કે, ” હું સ્વસ્થ છું. જો દાડી કામ કરું તો પણ કેશિયામાં 200 રૂપિયા કમાઈ શકું. પણ જયારે મારે એક દિવસ રાજકોટ જવાનું થાય અને બીજે દિવસે ધ્રોલ તો એવી પરસ્થિતિમાં હું કઈ રીતે કામ કરી શકું? મને કોણ કામ આપે અને મને તેઓ શું કામ આપી શકે?
જે દિવસે તેઓને હોસ્પિટલ જવાનું હોય છે, તેઓના છોકરાઓ ઘરે એકલા રહે છે. તેઓ ધ્રોલ થી સવારે 7 આસપાસ નીકળે છે અને રાજકોટ 9 વાગે પોહોંચેં છે. તેઓ ત્યાર બાદ 14 કલાક પછી જ ઘર જવા માટે પાછા નીકળી શકે છે. ત્યાં સુધી તેમના બાળકો ભૂખ્યા રહે છે. મનીષાબેન કહે છે કે “અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અમારે તેમને કોઈની પણ દેખરેખ વિના અનાથ બાળકોની જેમ મૂકીને જવું પડે છે.”
છેલ્લા 14 મહિનાઓથી તેઓ દર બીજા દિવસે તેમના ઘર ધ્રોલથી 50 કિલોમીટર દૂર રાજકોટની હોસ્પિટલ જઈ રહ્યા છે. “મારી બંને કિડની હવે કામ કરતી નથી, તેથી મારા શરીરમાં પ્રવાહી એકઠા થઈ જાય છે; હોસ્પિટલમાં, તેઓ આ હાથ દ્વારા કચરો બહાર કાઢી લે છે, ”વિરમભાઇ તેમના જમણા હાથ તરફ ઇશારો કરતા કહે છે. તેઓ પેવમેન્ટ પર બેઠા છે અને ધીમેથી વાત કરે છે, તેમનો આવાજ નબળો થઇ ગયો છે, માંડ રસ્તા પર જતા વાહનોના અવાજ વચ્ચે તે સંભળાય છે.
બી. ટી. સવાણી હોસ્પિટલની બહાર ઝાડની લાઈન સાથેના પેવમેન્ટ પર વિરમભાઇ જેવા કેટલાય દર્દીઓ તેમના ઘરના સભ્યો સાથે બેઠા છે. તેઓ ત્યાંજ જામે છે, સુવે છે અને આખો દિવસ કાઢે છે પોતાની હેમોડાયાલિસિસની સારવારની રાહ જોતા. વિરમભાઇને હોસ્પિટલની બહાર જમાડતા મનિષાબેન કહે છે કે “અમે હવે ઘરડા લાગવા લાગ્યા છીએ . અમે હજી જુવાન છીએ પણ આ મુસાફરી અને આ સારવારે અમને ખર્ચી નાખ્યા છે. અમે હવે થાકી ગયા છીએ.
તબીબી ખર્ચ ચૂકવવા અને તેમના પરિવારનું પેટ ભરવા માટે, તેમણે તેમની એક લાખ રૂપિયાની બચતનો ઉપયોગ કર્યો છે, મનિષાબેનની સોનાની બુટ્ટી વેચી નાખી છે અને પાડોશીઓ અને સંબંધીઓ પાસેથી પૈસા પણ ઉધાર લીધા છે. મનિષાબેન કહે છે કે “શરૂઆતમાં, સંબંધીઓ અને પાડોશીઓએ અમને પૈસાની મદદ કરી, પરંતુ હવે તેઓ પણ નથી કરતા. તેમને લાગે છે કે મારા પતિની તબિયત હવે લથડતી જશે અને તેમને તેમના પૈસા પાછા મળશે નહિ.” તેમના સગા સંબંધી પાસેથી ઉધાર લીધેલ 2 લાખ રૂપિયા દવાઓમાં ખર્ચાઈ ગયા છે. મનિષાબેન ઉમેરે છે કે “અમને નથી ખબર અમે અમારું દેવું કઈ રીતે ચુકવશું.”
તેમનો પરિવાર અને વિરમભાઇના માતા-પિતા બંને વચ્ચે એક જ ગરીબી રેખા નીચનું (BPL) કાર્ડ છે. મનીષાબેન કહે છે કે તેઓને કાર્ડ પર જે રાશન મળે છે તેનો ઉપયોગ તેમના સસરા અને સાસુ દ્વારા કરવામાં આવે છે અને તેઓ તેમનો ભાગ પણ તેમને આપવાનું પસંદ કરે છે. મનીષાબેન કહે છે કે “મારા સાસરાને શ્વાસની તકલીફ છે અને મારા સાસુને હમણાં માં જ હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ ખુબ વૃદ્ધ છે. અમે તો હજુ જુવાન છીએ. અમે અમારું કઈ પણ કરીને સાચવી લેશું.”
‘કઈ પણ કરીને સાચવી લેવાની’ વાત માં રસ્તા પર થી લઈને રાજકોટની સોસાયટીઓમાં ભીખ માંગવાનું શામેલ છે જયારે બીજી બાજુ વિરમભાઇ ડાયાલિસિસ માટે હોસ્પિટલની બહાર તેમના વારાની રાહ જોતા હોય છે.
વિરમભાઇનો વારો તો ડાયાલીસીસ માટે બોપરે આવે છે અને પછી 4-5 કલાક સુધી ચાલે છે. પણ તે બંને વેહલા પહોંચી જાય છે જેથી મનીષાબેન જમવાનું માંગવા માટે આજુબાજુ જઈ શકે. તે વિરમભાઇને બેસાડીને આજુ બાજુની સોસાયટીઓમાં જમવાનું અને પૈસા માંગવા માટે નીકળી જાય છે. મનિષાબેન કહે છે કે, ” આજે હું માત્ર 70 રૂપિયા, છોકરાઓ માટે થોડા કપડાં અને થોડું વધેલું જમવાનું જ લાવી શકી. આવનારા 2 દિવસ માટે અમારી પાસે જે છે તે આ જ છે.” તહેવાર સમય કે જો લોકો નું મન ઉદારતા દાખવવાનું હોય ત્યારે તેમને 300 જેટલા પૈસા મળી રહે છે પણ વધારે પડતા દિવસો પર તેઓ માત્ર 50-100 રૂપિયા જ મેળવી શકે છે. ક્યારેક ક્યારેક એ રકમ 10 રૂપિયા જેટલી ઓછી પણ હોય છે.
મનિષાબેન કહે છે કે, “કેટલીકવાર હું મારા સૌથી નાના દીકરાને મારી સાથે લાવું છું અને અમે બંને મદદ માંગવા માટે આજુબાજુ ફરિએ છીએ. મારા દીકરાને જોતા લોકો તેને બિસ્કિટ અને બીજા ખાવાના પડીકા આપે છે. પણ હું વધારે પડતી વખતે તેને સાથે નથી લાવતી કારણ કે કલાકો સુધી ચાલીને તે થાકી જાય છે.” હોસ્પિટલ સામે સ્થિત જલારામ રેસ્ટોરન્ટ અને સોસાયટીના લોકો તેમને જમવાનું આપતા રહે છે. મનિષાબેન ઉમેરે છે કે, “આ ભોજન અમારા અને અમારા બાળકો માટે થઇ રે છે.” કેશિયા ગામની ભરવાડ જ્ઞાતિએ 100 કિલો ઘઉં પણ તેમના પરિવારને આપ્યા છે જે તેમના માટે અત્યારે મદદરૂપ છે.
એકવાર ડાયાલિસિસ શરૂ થઈ જાય, પછી મનિષાબેનનું વેઈટિંગ રૂમમાં હોવું જરૂરી છે. તેઓ કહે છે તેમના અંગૂઠાની છાપ લેવામાં આવે છે સારવાર શરુ કરતા પેહલા અને તેમને ખબર છે કે એવું કરવામાં આવે છે જેથી ખાતરી મેળવી શકાય કે દર્દીને સારવાર સમયે જો કઈ થાય તો તેની જવાબદારી હોસ્પિટલની નહિ રહે. મનિષાબેન કહે છે કે,”ક્યારેક તેમને આઇસીયુમાં પણ દાખલ કરવા પડે છે અને ત્યારે હોસ્પિટાલવાળા એકસાથે 10,000ની ડિપોઝિટ માંગે છે સારવાર શુરુ કરતા પેહલા.”
કિડનીના દર્દી તરીકે, વિક્રમભાઈ કેન્દ્ર સરકારની સપ્ટેમ્બર 2018માં શરુ થયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સ્કીમ (PM-JAY) હેઠળ દર વર્ષે 5 લાખ મેળવવાના અધિકારી છે. વિક્રમભાઈને એક વર્ષ પછી, 2019ના અંત માં આ કાર્ડ મળ્યું છે અને તેનો ઉપયોગ તેઓ પોતાના રોજના ડાયાલીસીસ ખર્ચ માટે કરે છે – જે દર વખતે આશરે 650 રૂપિયા થાય છે અને જે એક કેશલેસ વ્યવહાર હોય છે. થોડા સમય પેહલા જ વિક્રમભાઈને ગુજરાત સરકારની 2012 થી ચાલી આવતી મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ યોજના વિષે ખબર પડી. તેમને એક વર્ષ પેહલા જ તે કાર્ડ મેળવ્યું છે. આ બંને યોજનાઓ હેઠળ તેમને વાર્ષિક 5 લાખનું કવર અને આવા જવાના દર વખતના 300 રૂપિયા મળે છે. મનિષાબેન કહે છે કે, “બ્લડ ટેસ્ટ જેવા ખર્ચ આ યોજના હેઠળ આવતા નથી અને દર વખતે તેમાં તેમના 1000 જેટલા રૂપિયા લાગી જાય છે અને પાછલા અમુક મહિનાઓથી આવા જવાના પણ પૈસા અમને મળ્યા નથી. તેનું શું કારણ હોઈ શકે એ અમે જાણતા નથી.”
જે દિવસે તેઓ હોસ્પિટલની મુલાકાત લેતા નથી, તે દિવસે મનીષાબેન તેમના પતિની પાસે જ રહે છે. દર 48 કલાકે ડાયાલિસિસ થવાના કારણે, તેમનું બ્લડ પ્રેશર ઓછું રહે છે અને તેમને ચક્કર આવ્યા કરે છે. તેઓ ચલતા- ચલતા પડી ગયા હોય તેવું પણ બની ગયું છે. લોકડાઉનના પહેલા તબક્કા દરમિયાન મનીષાબેન અને વિરમભાઇ તેમના પાડોશીની મોટરસાયકલ માંગીને તે લઇ હોસ્પિટલ આવતા હતા. મનિષાબેન કહે છે કે “અમને મોટરસાયકલ એ શરતે મળતી કે અમે દર વખતે 200 થી 300 રૂપિયાનું પેટ્રોલ તેમાં ભરાવીને પાછી આપીયે. લોકડાઉન સમયે રસ્તામાં પોલીસને બતાવવા માટે બધા જ કાગળિયા સાથે લઇ જવા પડતા. એ મુસાફરી ખુબ જોખમી હતી કારણકે ઘણી વખત રસ્તા પર જતી વખતે તેમને(વિરમભાઇ) ચક્કર પણ આવતા.”

તેમના બાળકો પેહલા જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના કેશીયા ગામે મનીષાબેનના માતાપિતા સાથે રહેતા હતા. તેઓને ગામની શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ લોકડાઉન દરમિયાન શાળા બંધ થવાના કારણે અને કામની માંગ ઘટવાને કારણે મનીષાબેનના માતાજી હવે તેમની સંભાળ રાખી શકે તેમ નથી અને માટે તેમણે બાળકોને પાછા મોકલી દીધા છે.
મનીષાબેન અને વિરમભાઇ 9 વાગ્યાની આસપાસ ઘરે પહોંચે છે અને તેઓ જે પણ ભેગું કરી શક્યા છે તેમાંથી તેમના બાળકોને જમાડે છે. આખો દિવસ કોઈપણ પુખ્ત વયના વ્યક્તિની દેખરેખ વિના પોતાના બાળકોને એકલા મુકતા બંને માતાપિતા ખૂબ જ ચિંતા માં રહે છે. મનિષાબેન કહે છે કે તેઓ જે સોસાયટીમાં રહે છે ત્યાં હાલમાં જ બાળકોને ઉપાડી જવાના અમુક બનાવો બન્યા છે. અમુકવાર જયારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારે હોય છે ત્યારે વિરમભાઈની સારવારમાં મોડું થાય છે અને “અમને અમારા ઘર પર એકલા મુકેલા બાળકોની ચિંતા ખાયા કરે છે.”
તેઓ એ સમયને યાદ કરે છે જયારે તેઓ કામ કરી શકતા હતા અને ખાવા માટે તેમને ભીખ માંગવી નહોતી પડતી. વિરમભાઇ પૂછે છે કે, ” 5 વર્ષ પેહલા અમે સારું કમાતા હતા અને આ ઓયડી વેચવાનું વિચારતા હતા પણ સારું થયું કે અમે એ ના કર્યું. આ ઓયડી અમારે માટે અત્યારે ખુબ કામ આવે છે. અમે નક્કી કર્યું છે કે જે પણ થાય અમારી ઓયડી નહિ વેંચીએ બાકી અમારા બાળકો ક્યાં રહેશે?”
Editor's note
મીત કાકડિયા સેન્ટર ફોર એન્વિરોન્મેન્ટલ પ્લાંનિંગ એન્ડ ટચનોલોજી (CEPT) વિશ્વવિદ્યાલય, અમદાવાદ માં અર્બન ડિઝાઇનના વિદ્યાર્થી છે. રાજકોટમાં પોતાના ઘરે રહેતા, તેમના ધ્યાન માં આવ્યું કે જે સોસાયટીમાં તે રહે છે ત્યાંના અમુક ઘરેથી મનીષાબેનને પૈસા અને ખાવાના સામાનની મદદ મળતી હતી. તે કહે છે કે," મનિષાબેન અને વિરમભાઇની આપવીતી કવર કરતા મને સમજમાં આવ્યું કે ખેડૂતો જે ભાડે જમીન લઇ ખેતી કરે છે તેમની સ્થિતિ કેટલી જોખમી છે. અર્બન ડિઝાઇનના વિદ્યાર્થી તરીકે, તેમની આપવીતીએ મને શહેરી અને ગામડાની દુનિયા વચ્ચેના સંબંધ પર અને મૂળભૂત સ્વાથ્ય સેવાઓની ઉપલબ્ધતા પર વિચારવા પર મજબૂર કર્યો છે."
અનુવાદક: જ્હાનવી સોધા
જાહન્વી અમદાવાદ યુનિવર્સિટીમાં ક્રિટિકલ થિંકિંગ અને લિબરલ આર્ટ્સ ડિપ્લોમા પ્રોગ્રામના વિદ્યાર્થી છે અને યુથ ફોર સ્વરાજ સાથે કામ કરે છે. તેમને પર્યાવરણ અને ઇતિહાસમાં રસ છે.